<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

કર્ણાટક કોંગ્રેસમાં ભડકોઃ ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર જૂથના ૩૦ ધારાસભ્યોની બેંગલુરુની હોટલમાં ગુપ્ત બેઠક

શું કર્ણાટકમાં સત્તા પરિવર્તન થશે? સીએમ પદ માટે ખેંચતાણ તેજ બનતા રાજકીય ગરમાવો, બે મંત્રીઓ પણ બેઠકમાં સામેલ

બેંગલુરુ,તા.૨૭: કર્ણાટકની સત્તારૂઢ કોંગ્રેસ સરકારમાં આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. બેંગલુરુની એક ખાનગી હોટલમાં નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના કેમ્પના ૩૦ જેટલા ધારાસભ્યો અને બે મંત્રીઓ એકઠા થતા 'તખ્તાપલટ'ની અટકળો તેજ બની છે. જોકે, સત્તાવાર રીતે આ બેઠકને એક ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી ગણાવવામાં આવી રહી છે, પરંતુ રાજકીય વિશ્લેષકો તેને સત્તા વહેંચણીના વિવાદ સાથે જોડી રહ્યા છે.

કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર વચ્ચે અઢી-અઢી વર્ષની સત્તા વહેંચણીની કથિત સમજૂતીને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મળેલી આ બેઠકમાં ૩૦ ધારાસભ્યોની હાજરીએ હાઈકમાન્ડની ચિતા વધારી દીધી છે. અગાઉ ૨૦ થી વધુ ધારાસભ્યો વિદેશ પ્રવાસે ગયા હતા, જે પરત ફરતાની સાથે જ આ હોટલ પોલિટિકસ શરૂ થયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ડી.કે. શિવકુમારના સમર્થકો હવે તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરી રહ્યા છે. બીજી તરફ, સિદ્ધારમૈયા જૂથ દલિત મુખ્યમંત્રીનો મુદ્દો આગળ ધરીને શિવકુમારને રોકવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેમ જણાય છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદીપ સિહ સુરજેવાલા અને મલ્લિકાર્જુન ખડગે આ મામલે શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છે, પરંતુ ધારાસભ્યોની આ રીતે એકઠા થવાની ઘટના રાજ્યમાં મોટા રાજકીય ભૂકંપના સંકેત આપી રહી છે. આગામી બજેટ સત્ર પહેલા આ આંતરિક ખેંચતાણ કયા વળાંક લેશે તેના પર સૌની નજર છે

(1:53 PM IST)