<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

કોલકાતામાં ૫.૫નો ભૂકંપ

લોકો રસ્‍તા પર દોડી આવ્‍યાઃ જાનમાલનું નુકશાન નહિ : બાંગ્‍લાદેશ સરહદ નજીક કેન્‍દ્રબિંદુ નોંધાયું: નેપાળ અને સિક્કિમ બાદ હવે પ.બંગાળમાં ધરા ધ્રુજી

 

 

કોલકાતા, તા.૨૭: પヘમિ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્‍યના અનેક જિલ્લાઓમાં આજે બપોરે કુદરતનો પ્રકોપ જોવા મળ્‍યો હતો. બપોરે અંદાજે ૧:૨૨ વાગ્‍યે જ્‍યારે લોકો પોતપોતાના કામમાં વ્‍યસ્‍ત હતા, ત્‍યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રિક્‍ટર સ્‍કેલ પર ૫.૫ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોએ પંખા અને ફર્નિચરને હલતા જોયા હતા. ગભરાટના માર્યા હજારો લોકો પોતાની ઓફિસો, ઘરો અને વ્‍યાપારી સંકુલ છોડીને ખુલ્લા મેદાન કે રસ્‍તાઓ પર દોડી આવ્‍યા હતા, જેના કારણે શહેરના મુખ્‍ય માર્ગો પર ટ્રાફિક જામ જેવી સ્‍થિતિ સર્જાઈ હતી.

ભૂકંપ વિજ્ઞાન કેન્‍દ્રના પ્રાથમિક અહેવાલો મુજબ, આ ભૂકંપનું કેન્‍દ્રબિંદુ પડોશી દેશ બાંગ્‍લાદેશના ખુલનાથી લગભગ ૨૬ કિલોમીટર દૂર દક્ષિણ-પヘમિમાં જમીનની અંદર નોંધાયું હતું. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્‍મોલોજિકલ સેન્‍ટર એ પુષ્ટિ કરી છે કે આ આંચકાની અસર પヘમિ બંગાળના દક્ષિણ ભાગોમાં સૌથી વધુ અનુભવાઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કોલકાતાના વ્‍યસ્‍ત બજારો અને આઈટી પાર્કની ઊંચી ઈમારતોમાંથી સેંકડો લોકો એકસાથે બહાર નીકળી રહ્યા છે. સદનસીબે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ ઈજા કે મોટી મિલકતને નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં હિમાલયની પટ્ટીમાં ભૂસ્‍તરીય હલચલ તેજ બની છે. આ પહેલા આજે સવારે નેપાળમાં અને તે અગાઉ સિક્કિમમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિક્કિમમાં શુક્રવારે વહેલી સવારે ૪:૧૦ વાગ્‍યે ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો, જેનાથી લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. નિષ્‍ણાતો માને છે કે નેપાળ અને સિક્કિમમાં થયેલી હલચલની અસર બંગાળ સુધી પહોંચી હોઈ શકે છે. સતત આવી રહેલા આંચકાઓને કારણે પૂર્વી ભારતના રાજ્‍યોમાં વહીવટીતંત્રને એલર્ટ કરી દેવામાં આવ્‍યું છે અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની ટીમોને સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી છે. (રર.૨૪)

 

(3:03 PM IST)