હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રચંડ હેલીકોપ્ટર આત્મનિર્ભરતાનું પ્રતીક : દેશના બહાદુર સૈનિકોનો ગર્વ સાથે આભાર : દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિએ જેસલમેર એરબેઝથી ૨૫ મીનીટ કો-પાયલોટ તરીકે ઉડાન ભરી : રેડીયો દ્વારા રાષ્ટ્રને આપ્યો સંદેશ : ભારત - પાકિસ્તાનના સરહદી વિસ્તારો, પોખરણ ફિલ્ડ ફાયરીંગ રેન્જનું હવાઇ નિરીક્ષણ કર્યુ : પ્રચંડમાં ઉડાન ભરનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા

જેસલમેર, તા.૨૭: ભારતની સૈન્ય શક્તિમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશન પરથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર(LCH) ‘પ્રચંડ' માં ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ ‘પ્રચંડ'માં કો-પાયલટ તરીકે ઉડાન ભરનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ આ અગાઉ ફાઈટર પ્લેન સુખોઈ અને રાફેલમાં પણ ઉડાન ભરી ચૂકયા છે, જે ક્ષમતા ધરાવનાર તેઓ દેશના એકમાત્ર રાષ્ટ્રપતિ છે.
સવારે લગભગ ૯:૧૫ વાગ્યે વાયુસેના સ્ટેશન પહોંચેલા રાષ્ટ્રપતિને સૈન્ય અધિકારીઓએ હેલિકોપ્ટરની ખાસિયતો વિશે ઝીણવટભરી માહિતી આપી હતી. ત્યારબાદ, સવારે ૧૦:૧૫ વાગ્યે ગ્રુપ કેપ્ટન એન.એસ. બહુઆ સાથે તેમણે આકાશમાં ઉડાન ભરી હતી. આ ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.
સાંજે રાષ્ટ્રપતિ પોખરણ ખાતે વાયુસેનાના સૌથી મોટા યુદ્ધાભ્યાસ વાયુ શક્તિ-૨૦૨૬ના સાક્ષી બનશે. પાકિસ્તાન સરહદ નજીક યોજાનારા આ શૌર્ય પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન પોતાની ઘાતક મારક ક્ષમતા અને સચોટ લક્ષ્ય ભેદવાની કળાનું પ્રદર્શન કરશે. આ ગૌરવશાળી પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ હરિભાઉ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
જૈસલમેરના સોનાર કિલ્લા ઉપર ‘પ્રચંડ' હેલિકોપ્ટરમાં ઉડાન ભરતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રેડિયો દ્વારા રાષ્ટ્રને સંદેશ આપ્યો. તેમણે કહ્યું, હું આજે ‘પ્રચંડ' હેલિકોપ્ટરમાં ઉડાન ભરી રહી છું. ‘પ્રચંડ' હેલિકોપ્ટર આત્મનિર્ભરતાનું એક શક્તિશાળી પ્રતીક છે. હું હાલમાં જેસલમેરના પ્રખ્યાત કિલ્લા ઉપર ઉડાન ભરી રહી છું. હું દેશના બહાદુર સૈનિકોનો ગર્વ સાથે આભાર માનું છું. બધાને મારી પ્રેમ ભરી શુભેચ્છાઓ. જય હિંદ, જય ભારત.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૨૫ મિનિટ સુધી સ્વદેશી રીતે વિકસિત પ્રચંડ હેલિકોપ્ટરમાં કો-પાયલટ તરીકે ઉડાન ભરી હતી. તેમણે હેલિકોપ્ટરમાંથી રેડિયો દ્વારા રાષ્ટ્રને સંદેશ આપ્યો હતો. ત્યારબાદ હેલિકોપ્ટર એરફોર્સ સ્ટેશન જેસલમેર પર ઉતર્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
