<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

મુંબઈ એરપોર્ટ નજીક નમાઝ પઢવા બાબતે સુરક્ષાના જોખમનો મુદ્દો : હાઈકોર્ટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવા આપ્‍યા આદેશ

 

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ એરપોર્ટની અત્‍યંત સંવેદનશીલ સુરક્ષા વ્‍યવસ્‍થાને ધ્‍યાનમાં રાખીને મુસ્‍લિમ કેબ ડ્રાઈવરોને એરપોર્ટની નજીક નમાઝ પઢવા દેવા સામે સુરક્ષાના જોખમની આશંકા વ્‍યક્‍ત કરી છે. બોમ્‍બે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્‍ય સરકારે સ્‍પષ્ટ કર્યું હતું કે એરપોર્ટ જેવી વ્‍યૂહાત્‍મક જગ્‍યાએ લોકોનું ટોળું એકઠું થવું સુરક્ષાની લ્લષ્ટિએ યોગ્‍ય નથી. આ મામલે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ વહીવટીતંત્રને એવો આદેશ આપ્‍યો છે કે સુરક્ષા સાથે બાંધછોડ કર્યા વિના ડ્રાઈવરો માટે કોઈ અન્‍ય યોગ્‍ય કે વૈકલ્‍પિક સ્‍થળની વ્‍યવસ્‍થા કરવામાં આવે, જેથી ધાર્મિક આસ્‍થા અને જાહેર સુરક્ષા વચ્‍ચે સંતુલન જળવાઈ રહે.

સરકારે અદાલતમાં રજૂઆત કરી હતી કે રમઝાનના પવિત્ર માસ દરમિયાન મોટી સંખ્‍યામાં ડ્રાઈવરો નમાઝ માટે એકત્રિત થતા હોય છે, જે એરપોર્ટની સલામતી માટે પડકારરૂપ બની શકે છે. આ સંદર્ભમાં હાઈકોર્ટે નોંધ્‍યું હતું કે સુરક્ષાના પ્રોટોકોલનું પાલન કરવું અનિવાર્ય છે, પરંતુ સાથે જ વ્‍યવસાયિક કામગીરી કરતા ડ્રાઈવરોને તેમની ધાર્મિક વિધિ માટે યોગ્‍ય જગ્‍યા મળે તે જોવાની જવાબદારી પણ સત્તાધીશોની છે. અદાલતે સરકાર અને એરપોર્ટ ઓથોરિટીને સાથે મળીને એવું સ્‍થળ નક્કી કરવા જણાવ્‍યું છે જે મુખ્‍ય સુરક્ષા ઝોનથી બહાર હોય અને ત્‍યાં કોઈ પણ પ્રકારના ટ્રાફિક કે સુરક્ષામાં અડચણ ઊભી ન થાય. આ નિર્ણયથી આગામી સમયમાં એરપોર્ટ વિસ્‍તારમાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવામાં સરળતા રહેશે તેવી અપેક્ષા છે.

(3:35 PM IST)