હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વ્હાઇટ હાઉસમાં ખળભળાટ: "અમેરિકા રમઝાનમાં જ કેમ કરે છે મુસ્લિમ દેશો પર હુમલા?" યુએસ કોંગ્રેસવુમન ઇલ્હાન ઓમરનો ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને સણસણતો સવાલ
ઈરાન પર અમેરિકી હુમલાની વધતી આશંકાઓ વચ્ચે ધાર્મિક લાગણીઓનો મુદ્દો ગરમાયો: પરમાણુ મંત્રણા નિષ્ફળ જતાં ખાડી દેશોમાં યુદ્ધના વાદળો ઘેરાયા

વોશિંગ્ટન: તા.૨૭: અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી છે. એક તરફ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકાની અંદર જ સરકારની નીતિઓ સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. સોમાલી મૂળના અમેરિકી કોંગ્રેસવુમન ઇલ્હાન ઓમરે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ પર આકરા પ્રહારો કરતા એક વિવાદાસ્પદ અને તીક્ષ્ણ સવાલ ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું છે કે, આખરે અમેરિકા મુસ્લિમ દેશો પર હુમલો કરવા માટે પવિત્ર રમઝાન માસની જ પસંદગી કેમ કરે છે?
સોશિયલ મીડિયા પર આક્રોશ
ઇલ્હાન ઓમરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની પોસ્ટમાં ભૂતકાળના ઇરાક હુમલાઓને યાદ કરાવ્યા હતા. તેમણે લખ્યું કે, "તે જાણીને અત્યંત દુઃખ થાય છે કે અમેરિકા ફરી એકવાર રમઝાન દરમિયાન ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ ઇરાક સાથે પણ આવું જ કરવામાં આવ્યું હતું. એવું લાગે છે કે અમેરિકાને રમઝાન દરમિયાન ઇસ્લામિક દેશોને નિશાન બનાવવાનું વધુ પસંદ છે." તેમણે ગંભીર આરોપ લગાવતા ઉમેર્યું કે, આ હુમલાઓ કાયદાના ઉલ્લંઘન માટે નહીં, પરંતુ તે દેશોના લોકો કોની ઇબાદત કરે છે તેના આધારે કરવામાં આવી રહ્યા છે.
પરમાણુ મંત્રણામાં મડાગાંઠ
બીજી તરફ, ઓમાનની મધ્યસ્થી હોવા છતાં ઈરાન અને અમેરિકા વચ્ચેની પરોક્ષ વાટાઘાટોમાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે યુરેનિયમ સંવર્ધન કરવાનું બંધ કરશે નહીં, જે અમેરિકા માટે 'રેડ લાઇન' સમાન છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ વાટાઘાટોને ઈતિહાસની સૌથી લાંબી અને તીવ્ર ચર્ચાઓમાંની એક ગણાવી છે. જોકે, અમેરિકાએ હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર મૌન તોડ્યું નથી.
યુદ્ધની તૈયારીઓ તેજ
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણને જોતા, અમેરિકાએ ખાડી વિસ્તારમાં મોટી સંખ્યામાં ફાઇટર જેટ્સ અને અત્યાધુનિક યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા છે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો વાટાઘાટો દ્વારા ઉકેલ નહીં આવે, તો સૈન્ય કાર્યવાહી જ અંતિમ વિકલ્પ રહેશે. આ સંજોગોમાં વિશ્વભરની નજર હવે ઈરાન અને અમેરિકાના આગામી કદમ પર ટકેલી છે, કારણ કે જો યુદ્ધ ફાટી નીકળશે તો તેની અસર વૈશ્વિક અર્થતંત્ર અને શાંતિ પર પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
