હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હું ભ્રષ્ટ નથી, આજે ન્યાયતંત્રએ મારી પ્રામાણિકતા પર મહોર મારી દીધી
નિર્દોષ છૂટતા જ ભાવુક થઈ રડી પડ્યા કેજરીવાલઃ સિસોદિયાએ ભેટીને સાંત્વના આપી : કેજરીવાલનો મોદી સરકાર પર પ્રહારઃ દારૂ કૌભાંડના પાયાવિહોણા આરોપોના અંતે સત્યનો વિજય

નવી દિલ્હી, તા.૨૭: રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે જે દ્રશ્યો સર્જાયા તે દિલ્હીના રાજકારણના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. દારૂ કૌભાંડના કથિત આરોપોમાંથી મુક્ત થતાની સાથે જ અરવિંદ કેજરીવાલ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકયા નહોતા અને કોર્ટરૂમમાં જ રડી પડ્યા હતા. વર્ષોથી જેલમાં રહેવાની યાતના અને ભ્રષ્ટાચારી હોવાના લાગેલા કલંકને ધોવાઈ જતું જોઈને તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. આ સમયે વર્ષો જૂના સાથી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તરત જ આગળ વધીને તેમને ભેટી લીધા હતા અને એક મોટા ભાઈની જેમ સાંત્વના આપી હતી. આ દ્રશ્ય જોઈને કોર્ટ સંકુલમાં હાજર રહેલા આમ આદમી પાર્ટીના સેંકડો કાર્યકર્તાઓ પણ ભાવુક થઈ ગયા હતા.
લાંબા સમય સુધી રડ્યા પછી, ગૂંગળામણભર્યા અવાજે મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, મેં મારા જીવનમાં માત્ર પ્રામાણિકતા જ કમાણી તરીકે મેળવી છે. આજે કોર્ટે સાબિત કરી દીધું કે કેજરીવાલ, સિસોદિયા અને આમ આદમી પાર્ટી નિર્દોષ અને કટ્ટર પ્રામાણિક છે. તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, આ અમને અને અમારી પાર્ટીને ખતમ કરવાનું એક બહુ મોટું રાજકીય કાવતરું હતું, જેમાં પાંચ ટોચના નેતાઓને જેલમાં ધકેલી દેવાયા હતા. એક મુખ્યમંત્રીને તેમના ઘરેથી ખેંચીને જેલમાં પૂરવામાં આવ્યા હતા, પરંતુ અંતે સત્યનો જ વિજય થયો છે. તેમણે ભારતીય ન્યાયતંત્ર અને બંધારણમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મનીષ સિસોદિયાએ પણ આ જીતને સત્યમેવ જયતે ગણાવતા બાબા સાહેબ આંબેડકરના બંધારણનો આભાર માન્યો હતો. સિસોદિયાએ ગર્વ સાથે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓ અને સત્તાધારી પક્ષના પૂરેપૂરા જોર છતાં તેઓ અમને બેઈમાન સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. આજે સાબિત થઈ ગયું છે કે દિલ્હીમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્રાંતિ લાવનારા નેતાઓ પર લગાવાયેલા કાદવમાં કોઈ સત્ય નહોતું. કોર્ટના આ ચુકાદા બાદ હવે આમ આદમી પાર્ટીમાં ફરી એકવાર નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી ચૂંટણીઓમાં આ પ્રામાણિકતાનું કાર્ડ ભાજપ માટે મોટો પડકાર બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
