<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

‘સત્‍યમેવ જયતે' દારૂ કૌભાંડના કલંકમાંથી મુક્‍ત થતા સિસોદીયાના આંસુ છલકાયાં

મોદીજી અને તેમની આખી પાર્ટી અને એજન્‍સીઓ દ્વારા અમને બેઈમાન સાબિત કરવાના તમામ પ્રયાસો નિષ્‍ફળ

નવી દિલ્‍હી, તા.૨૭: દિલ્‍હીની રાઉઝ એવન્‍યુ કોર્ટે જેવો જ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કરવાનો ઐતિહાસિક ફેંસલો સંભળાવ્‍યો, કે તરત જ રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો હતો. મનીષ સિસોદિયા, જેમણે આ કેસમાં ૧૭ મહિના જેટલો લાંબો સમય જેલના સળિયા પાછળ વિતાવ્‍યો છે, તેમણે કોર્ટની બહાર આવતા જ પ્રચંડ આત્‍મવિશ્વાસ સાથે સત્‍યમેવ જયતેનો નારો લગાવ્‍યો હતો. સિસોદિયાએ ભાવુક થતા છતાં મક્કમ અવાજે જણાવ્‍યું કે, આ વિજય માત્ર અમારો નથી, પરંતુ ભારતના લોકતંત્ર અને બાબા સાહેબ આંબેડકરના પવિત્ર બંધારણનો વિજય છે.

મનીષ સિસોદિયાએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને કેન્‍દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, મોદીજી, તમારી આખી પાર્ટી અને તપાસ એજન્‍સીઓએ અમને બેઈમાન સાબિત કરવા માટે આકાશ-પાતાળ એક કરી દીધા હતા. અમને જેલમાં પૂરવામાં આવ્‍યા, હેરાન કરવામાં આવ્‍યા અને અમારી છબી ખરડવા માટે હજારો કરોડનું કથિત કૌભાંડ હોવાની અફવાઓ ફેલાવવામાં આવી. સિસોદિયાએ ગર્વ સાથે ઉમેર્યું કે, આટલા દબાણ અને ષડયંત્રો છતાં આજે ન્‍યાયતંત્રએ સાબિત કરી દીધું છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા કટ્ટર પ્રમાણિક છે અને રહેશે.

સિસોદિયાએ વધુમાં જણાવ્‍યું કે, તેમને બાબા સાહેબ આંબેડકરની દૂરંદેશી વિચારસરણી પર ખૂબ જ ગર્વ છે, કારણ કે તેમણે એવું બંધારણ બનાવ્‍યું છે જે સરમુખત્‍યારશાહી સામે સામાન્‍ય માણસને રક્ષણ પૂરું પાડે છે. તેમણે કહ્યું કે, જ્‍યારે સત્તાનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને જેલમાં ધકેલવામાં આવે છે, ત્‍યારે આ દેશની અદાલતો અને બંધારણ જ ન્‍યાયનો છેલ્લો દીવો બનીને ઊભું રહે છે. આજે એ દીવો વધુ પ્રજ્‍વલિત થયો છે અને સત્‍યનો ઉજાસ આખા દેશમાં ફેલાયો છે.

(3:51 PM IST)