<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

મુંબઈમાં પ્રવાસી સુરક્ષા પર સવાલ: વિદેશી મહિલા યુટ્યુબરની દક્ષિણ મુંબઈમાં ૧૫ મિનિટ સુધી સતામણી, 'ના' પાડી છતાં બે શખ્સોએ પીછો કરી ફોટા પડાવવા દબાણ કર્યું

યુટ્યુબર ઈનેસ ફારિયાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હચમચાવી દેતો વીડિયો: મુંબઈ પોલીસ તાત્કાલિક એક્શનમાં, સીસીટીવી અને વીડિયોના આધારે મજનૂઓને પકડવા ચક્રગતિમાન કર્યા

મુંબઈ: તા.૨૭: માયાનગરી મુંબઈ કે જે પ્રવાસીઓ માટે અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે, ત્યાંથી આજે એક શરમજનક ઘટના સામે આવી છે. છેલ્લા બે મહિનાથી ભારત ભ્રમણ કરી રહેલી વિદેશી યુટ્યુબર ઈનેસ ફારિયા (Ines Faria) સાથે દક્ષિણ મુંબઈના રસ્તાઓ પર બે અજાણ્યા શખ્સોએ સતામણી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ નેટીઝન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મુંબઈ પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.

૧૫ મિનિટ સુધી પીછો અને હેરાનગતિ

ઈનેસ ફારિયાએ ઈન્સ્ટાગ્રામ પર આપવીતી જણાવતા લખ્યું કે, તે દક્ષિણ મુંબઈમાં ફરી રહી હતી ત્યારે બે પુરુષોએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું. ઈનેસે વારંવાર 'ના' કહી હોવા છતાં, તેઓ સતત તેની પાસે ફોટા પડાવવાની માંગણી કરતા રહ્યા અને લગભગ ૧૫ મિનિટ સુધી તેની પાછળ-પાછળ ચાલતા રહ્યા. ઈનેસે જણાવ્યું કે આ દરમિયાન તે ખૂબ જ અસહજ અનુભવી રહી હતી. એક તબક્કે તો તેણે તે પુરુષોને પોતાનાથી દૂર કરવા માટે શારીરિક રીતે ધક્કો પણ મારવો પડ્યો હતો.

'ના' એ સંપૂર્ણ વાક્ય છે: યુટ્યુબરનો સંદેશ

પોતાની પોસ્ટમાં ઈનેસે લખ્યું છે કે, "ભારતમાં ગાળેલા બે મહિનામાં મારો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો છે, પરંતુ આ દિવસ અલગ હતો. આ લોકો ખૂબ જ આગ્રહી હતા અને મને સુરક્ષિત નહોતું લાગી રહ્યું. મારે ફક્ત એટલું જ યાદ અપાવવું છે કે જ્યારે કોઈ સ્ત્રી 'ના' કહે, ત્યારે તેનો અર્થ 'ના' જ થાય છે. તે એક સંપૂર્ણ વાક્ય છે અને તેનું સન્માન થવું જોઈએ."

પોલીસ એક્શન મોડમાં

આ ઘટનાનો વીડિયો સામે આવતા જ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે. જોઈન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ અને ડીસીપી ઝોન-૩ ની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ તે વીડિયો ફૂટેજ અને વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે જેથી આરોપીઓની ઓળખ કરી શકાય. પોલીસે ખાતરી આપી છે કે પ્રવાસીઓની સુરક્ષા સાથે બાંધછોડ કરનાર તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

પ્રવાસીઓની સુરક્ષા પર ચિંતા

જોકે આ ઘટનાએ પ્રવાસન ઉદ્યોગ અને મહિલા સુરક્ષા બાબતે ચિંતા વધારી છે. મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં દિવસે-દહાડે વિદેશી પર્યટક સાથે આવી ઘટના બને તે ગંભીર બાબત છે. હાલમાં પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થવાની શક્યતા છે.

(4:22 PM IST)