<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

કર્ણાટકમાં આરોગ્ય ક્ષેત્રે 'ઇમરજન્સી' જેવી સ્થિતિ: ૧૧ માર્ચથી સરકારી ડોક્ટરો અને સ્ટાફ હડતાળ પર, રાજ્યભરની હોસ્પિટલોમાં OPD સેવાઓ ઠપ થશે

૫૦ વર્ષ જૂના ભરતી નિયમો અને પ્રમોશનમાં વિલંબ સામે આક્રોશ: હોસ્પિટલોમાં દવાઓની પણ ભયંકર અછત, ઇન્સ્યુલિન અને એન્ટીબાયોટિક્સ માટે દર્દીઓ રઝળશે

મેંગલુરુ: તા.૨૭: કર્ણાટકની સરકારી હોસ્પિટલોમાં આગામી દિવસોમાં દર્દીઓની મુશ્કેલીમાં ધરખમ વધારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કર્ણાટક સરકારી તબીબી અધિકારીઓ સંગઠન (KGMOA) અને અન્ય આરોગ્ય કર્મચારી સંગઠનોએ પોતાની વર્ષો જૂની માંગણીઓ ન સંતોષાતા સરકાર સામે આરપારની લડાઈનું એલાન કર્યું છે. આગામી ૧૧ માર્ચ થી રાજ્યવ્યાપી આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે, જેને કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) થી લઈને મોટી હોસ્પિટલો સુધીની સેવાઓ ખોરવાઈ જશે.

હડતાળનું ટાઈમટેબલ: માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે

KGMOA ના દક્ષિણ કન્નડ યુનિટના પ્રમુખ ડૉ. દીપક રાયે જણાવ્યું કે, ૧૧ થી ૧૫ માર્ચ સુધી રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં OPD (બહારના દર્દીઓનો વિભાગ) સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માત્ર કટોકટીની સેવાઓ (Emergency Services) જ પૂરી પાડવામાં આવશે. જો સરકાર ૧૫ માર્ચ સુધીમાં કોઈ ઉકેલ નહીં લાવે, તો ૧૬ માર્ચથી તમામ તબીબી સેવાઓ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવશે.

૫૦ વર્ષથી નિયમોમાં કોઈ સુધારો નહીં!

ડોક્ટરોનો મુખ્ય આક્રોશ કેડર અને ભરતીના નિયમોને લઈને છે. એસોસિએશનના જણાવ્યા મુજબ, કેટલાક નિયમો તો છેલ્લા ૫૦ વર્ષથી અપડેટ કરવામાં આવ્યા નથી. વરિષ્ઠતા યાદી (Seniority List) પણ વર્ષોથી લટકેલી છે; જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર્સની યાદી ૨૦૦૯ થી અને સિનિયર ડોક્ટરોની યાદી ૨૦૧૨ થી અંતિમ સ્વરૂપ પામી નથી. છેલ્લા ૫ વર્ષથી વિભાગમાં કોઈને પ્રમોશન આપવામાં આવ્યું નથી, જેના કારણે કર્મચારીઓમાં ભારે નિરાશા છે.

દવાઓની અછત: હોસ્પિટલો પાસે ભંડોળ ખૂટ્યું

આંદોલનની સાથે ડોક્ટરોએ હોસ્પિટલોમાં દવાઓની ગંભીર અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. હાલમાં રાજ્યની હોસ્પિટલોમાં જીવનરક્ષક દવાઓ જેવી કે ઇન્સ્યુલિન અને એન્ટિબાયોટિક્સ નો પુરવઠો નથી. ડૉક્ટરો અત્યારે હોસ્પિટલના લોકલ ફંડમાંથી દવાઓ ખરીદીને ગાડું ગબડાવી રહ્યા છે. ઇ-ઔષધ પોર્ટલ પર દવાઓ ઉપલબ્ધ બતાવે છે, પરંતુ વાસ્તવિકતામાં ઓર્ડર આપ્યા બાદ પણ સપ્લાય આવતો નથી.

પગાર અને બદલીની અનિશ્ચિતતા

NHM હેઠળ કામ કરતા આશરે ૬,૦૦૦ જેટલા કર્મચારીઓને દર મહિને સમયસર પગાર મળતો નથી; તેમને ૩ થી ૪ મહિનામાં એકવાર પગાર ચૂકવાય છે. ડોક્ટરોએ માંગ કરી છે કે દરેક મહિનાના પહેલા અઠવાડિયામાં પગારની ચૂકવણી થાય. આ ઉપરાંત, અવૈજ્ઞાનિક બદલીની નીતિ (Transfer Policy) અને અન્ય વિભાગના અધિકારીઓની આરોગ્ય વિભાગમાં નિમણૂક સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

જો સરકાર સમયસર દરમિયાનગીરી નહીં કરે, તો માર્ચ મહિનામાં કર્ણાટકની જનતાએ આરોગ્ય સેવાઓ માટે ભારે હાલાકી વેઠવી પડી શકે છે.

(5:01 PM IST)