ખેડૂતો માટે ખુશખબર: મિઝોરમ સરકાર શરૂ કરશે 'બાણા કૈહ' પાક વીમા યોજના, પ્રીમિયમમાં ૯૦% સુધીની સબસિડી આપી ખેડૂતોને આર્થિક કવચ પૂરું પાડશે
કુદરતી આફત કે રોગચાળા સામે પાકને મળશે સુરક્ષા: આદુ, ડાંગર અને મિઝો મરચાં સહિત ૫ મુખ્ય પાકોનો સમાવેશ, ટાટા AIG કંપની સાથે સરકારે કર્યા કરાર

ઐઝોલ: તા.૨૭: મિઝોરમની લાલદુહોમા સરકારે રાજ્યના અન્નદાતાઓ માટે એક ક્રાંતિકારી નાણાકીય સુરક્ષા યોજનાની જાહેરાત કરી છે. ખેડૂતોને કુદરતી આફતો, કીટકોના હુમલા અથવા પાકને થતા રોગોથી થતા આર્થિક નુકસાન સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં વ્યાપક પાક વીમા યોજના શરૂ કરવા જઈ રહી છે. રાજ્ય વિધાનસભામાં કૃષિ મંત્રી પીસી વનલાલરુઆતાએ આ મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી.
'બાણા કૈહ' યોજના હેઠળ મળશે મોટું પ્રોત્સાહન
રાજ્ય સરકારની મહત્વકાંક્ષી 'બાણા કૈહ' (જેનો અર્થ હેન્ડહોલ્ડિંગ થાય છે) યોજના અંતર્ગત પાંચ મુખ્ય પાકોને વીમા હેઠળ આવરી લેવામાં આવશે. જેમાં ડાંગર, આદુ, પ્રખ્યાત મિઝો મરચાં, કોબી અને રીંગણનો સમાવેશ થાય છે. આ યોજના કેન્દ્રની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) સાથે મળીને લાગુ કરવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું કે, ટાટા AIG જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને આ માટે વીમાદાતા તરીકે પસંદ કરવામાં આવી છે.
નાના ખેડૂતોને લોટરી: માત્ર ૧૦% જ પ્રીમિયમ ભરવું પડશે
આ યોજનાની સૌથી આકર્ષક બાબત તેની સબસિડી છે. સરકાર ખેડૂતો પરનો નાણાકીય બોજ ઘટાડવા માટે પ્રીમિયમમાં જંગી રાહત આપશે:
- નાના ખેડૂતો (૧ હેક્ટરથી ઓછી જમીન): વીમા પ્રીમિયમના માત્ર ૧૦% જ ભરવાના રહેશે, બાકીના ૯૦% સરકાર ભોગવશે.
- મધ્યમ ખેડૂતો (૧ થી ૫ હેક્ટર): તેમને સરકાર તરફથી ૮૦% પ્રીમિયમ સબસિડી મળશે.
- મોટા ખેડૂતો (૫ હેક્ટરથી વધુ): તેમને પ્રીમિયમમાં ૫૦% રાજ્ય સરકારનો ફાળો મળશે.
જિલ્લા મુજબ પાકોનું વર્ગીકરણ
પ્રારંભિક તબક્કે આ યોજના વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતા જિલ્લાઓમાં લાગુ થશે. આદુનો વીમો તમામ ૧૧ જિલ્લાના ખેડૂતો લઈ શકશે. ચંફાઇ અને કોલાસિબમાં ડાંગર, જ્યારે સેરછીપ અને સૈતુલ જિલ્લામાં મિઝો મરચાં ઉગાડતા ખેડૂતોને આનો લાભ મળશે. સેરછીપ જિલ્લામાં રીંગણ અને કોબીના પાકને પણ વીમા કવચ અપાશે.
મુખ્યમંત્રી લાલદુહોમાના વિઝન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના હજારો ખેડૂત પરિવારોને હવે અચાનક આવી પડતી ખેતીલક્ષી આપત્તિઓ સામે મોટું પીઠબળ મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
