<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

મોદી -શાહને રશ્મિકા-વિજયનું આમંત્રણ : હૈદરાબાદમાં યોજાશે ભવ્ય રિસેપ્શન:

26 ફેબ્રુઆરીએ ગુપ્ત રીતે લગ્ન કર્યા બાદ હવે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શનની તૈયારી : વડાપ્રધાન મોદી અને અમિત શાહને રૂબરૂ મળીને આપ્યું આમંત્રણ : પીએમએ સોશિયલ મીડિયા પર ભાવુક સંદેશ લખી નવદંપતીને આપ્યા આશીર્વાદ

હૈદરાબાદ:  દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને 'નેશનલ ક્રશ' રશ્મિકા મંડન્ના આખરે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે, જેનાથી તેમના લાખો ચાહકોની વર્ષો જૂની ઈચ્છા પૂરી થઈ છે. 26 ફેબ્રુઆરીના રોજ એક અત્યંત ખાનગી અને શાહી સમારોહમાં લગ્ન કર્યા બાદ, હવે આ કપલ 4 માર્ચના રોજ હૈદરાબાદમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરી રહ્યું છે. જોકે, સૌથી વધુ ચર્ચા આ કપલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથેના વાયરલ થયેલા ફોટાઓની થઈ રહી છે. વાયરલ ફોટામાં વિજય અને રશ્મિકા પીએમ મોદી સાથે હળવી પળો માણતા અને તેમને સન્માનપૂર્વક શાલ ઓઢાડીને રિસેપ્શન માટે આમંત્રણ આપતા જોવા મળી રહ્યા છે. આ મુલાકાતે રાજકીય અને ફિલ્મી દુનિયામાં એક સાથે સનસનાટી મચાવી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કપલને માત્ર રૂબરૂ જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યંત હૃદયસ્પર્શી રીતે આશીર્વાદ આપ્યા છે. પીએમ મોદીએ તેમના પત્રમાં લખ્યું કે, વિજય અને રશ્મિકા ફિલ્મી પડદાના જાદુથી તો પરિચિત છે જ, પરંતુ તેમના વાસ્તવિક જીવનનું આ નવું પ્રકરણ કોઈપણ ફિલ્મી સ્ક્રિપ્ટ કરતા વધુ સુંદર અને દૈવી હશે. પીએમએ દેવરકોંડા અને મંડન્ના પરિવારને શુભકામનાઓ પાઠવતા બંનેને એકબીજાની શક્તિ બનવા અને જવાબદારીઓ વહેંચવા માટે પ્રેરણા આપી હતી. દેશના વડાપ્રધાન તરફથી મળેલી આ પ્રકારની શુભેચ્છાઓ દર્શાવે છે કે આ કપલનું કદ માત્ર ફિલ્મો પૂરતું મર્યાદિત નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ તેમની લોકપ્રિયતા ગજબની છે.

હવે સૌની નજર 4 માર્ચના રિસેપ્શન પર છે, જે હૈદરાબાદના ઇતિહાસના સૌથી મોટા સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ્સમાંથી એક માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, આ રિસેપ્શનમાં સાઉથ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો ઉપરાંત બોલિવૂડના એ-લિસ્ટ સેલેબ્સ પણ હાજરી આપવાના છે. પીએમ મોદી અને અમિત શાહ જેવા દિગ્ગજોને આપવામાં આવેલા આમંત્રણને જોતા, સુરક્ષા વ્યવસ્થા પણ અત્યંત કડક કરવામાં આવી છે. લાંબા સમય સુધી પોતાના સંબંધોને છૂપાવી રાખ્યા બાદ, વિજય અને રશ્મિકાએ જે રીતે ધમાકેદાર રીતે પોતાના નવા જીવનની શરૂઆત કરી છે, તેનાથી સોશિયલ મીડિયા પર અભિનંદનનો ધોધ વહી રહ્યો છે.

(6:36 PM IST)