<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

"રાહુલ ગાંધી કે વાડ્રા જેલમાં ગયા? શરમ નથી આવતી?": મુક્ત થતા જ કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપને લીધા આડેહાથ

દારૂ કૌભાંડમાં નિર્દોષ છૂટ્યા બાદ કેજરીવાલનું રૌદ્ર સ્વરૂપ: સીબીઆઈની ઝાટકણી કાઢતા કોર્ટના ફેંસલાને ગણાવ્યો સત્યનો વિજય: પીએમ મોદીને દિલ્હીમાં ફરી ચૂંટણી યોજી 10 બેઠકો જીતી બતાવવાનો ફેંક્યો ખુલ્લો પડકાર

નવી દિલ્હી:  દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થયા બાદ અરવિંદ કેજરીવાલ એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. જેલમુક્તિ અને કોર્ટની ક્લીન ચિટ બાદ વિજય સરઘસ કાઢીને કેજરીવાલે માત્ર ભાજપ જ નહીં, પરંતુ કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ આ મુક્તિને ભાજપ સાથેની 'સેટિંગ' ગણાવી રહી છે, ત્યારે કેજરીવાલ ઉકળી ઉઠ્યા હતા. તેમણે વળતો સવાલ કરતા પૂછ્યું કે, "કેજરીવાલ જેલ ગયા, સિસોદિયા જેલ ગયા, સંજય સિંહ જેલ ગયા... પણ શું રાહુલ ગાંધી, સોનિયા ગાંધી કે રોબર્ટ વાડ્રા ક્યારેય જેલ ગયા? તમે કયા મોઢે આવી વાતો કરો છો? કોંગ્રેસીઓને શરમ નથી આવતી?" આ નિવેદને રાજકીય ગલિયારાઓમાં સનસનાટી મચાવી દીધી છે.

કોર્ટે સીબીઆઈને પુરાવાઓના અભાવે જે રીતે ફટકાર લગાવી છે, તેને કેજરીવાલે લોકશાહીની જીત ગણાવી હતી. તેમણે પત્રકાર પરિષદમાં ગરજતા કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી દિલ્હીના 3 કરોડ લોકોએ વડાપ્રધાન મોદી અને અમિત શાહની સત્તાની ભૂખનો ભોગ બનવું પડ્યું છે. "મારી પ્રામાણિકતા પર સવાલ ઉઠાવીને તમે દિલ્હીને બરબાદ કરી દીધું છે," તેમ કહેતા તેમણે ભાજપ પર સીધો હુમલો કર્યો હતો. તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હોવાનો દાવો કરતા કેજરીવાલે ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો હતો, જોકે સીબીઆઈએ હવે આ મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

સૌથી મોટો ધડાકો કરતા કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીમાં ફરીથી ચૂંટણી યોજવાનો પડકાર ફેંક્યો છે. તેમણે હિંમતભેર જાહેરાત કરી કે, "જો ભાજપ દિલ્હીમાં 70માંથી માત્ર 10 બેઠકો પણ જીતી બતાવે, તો હું રાજકારણ છોડી દઈશ." આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં દિલ્હીનું રાજકારણ વધુ ગરમાવાનું છે. કેજરીવાલે દાવો કર્યો કે દિલ્હીની જનતા ભાજપના શાસનથી કંટાળી ગઈ છે અને હવે તેઓ જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. જેલમાંથી બહાર આવ્યા પછી કેજરીવાલનો આ આક્રમક મૂડ આગામી ચૂંટણીઓના સમીકરણો બદલી શકે છે.

(6:39 PM IST)