<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

'ધ કેરળ સ્ટોરી 2' પરથી હટ્યો સંકટનો પડછાયો: હાઈકોર્ટે લીલી ઝંડી આપતા સિનેમાઘરોમાં ગુંજશે સત્યની ગાથા!

રિલીઝના દિવસે જ સર્જાયો હાઈ-વોલ્ટેજ ડ્રામા: સિંગલ બેન્ચના પ્રતિબંધને ડિવિઝન બેન્ચે ફગાવ્યો: ટિકિટ રિફંડની પ્રક્રિયા વચ્ચે ફિલ્મ જોવાની આતુરતા ધરાવતા દર્શકોમાં ખુશીની લહેર

કોચી:  ભારતીય સિનેમા જગતમાં ફરી એકવાર વિવાદોના વંટોળ વચ્ચે 'ધ કેરળ સ્ટોરી 2' ના નિર્માતાઓ માટે વિજયના સમાચાર આવ્યા છે. છેલ્લા 24 કલાકથી ચાલી રહેલી કાનૂની ખેંચતાણનો અંત લાવતા કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ફિલ્મની રિલીઝ પરનો 15 દિવસનો સ્ટે સંપૂર્ણપણે હટાવી દીધો છે. શુક્રવારે સાંજે જસ્ટિસ એસ.એ. ધર્માધિકારી અને પી.વી. બાલકૃષ્ણનની બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું હતું કે ફિલ્મની રિલીઝ રોકવા માટે પૂરતા કાયદાકીય કારણો નથી. આ નિર્ણય એવા સમયે આવ્યો જ્યારે સવારે થિયેટર માલિકો દર્શકોને ટિકિટના પૈસા પરત કરી રહ્યા હતા, પરંતુ હવે કોર્ટના આદેશ બાદ ફરીથી બુકિંગ વિન્ડો ખુલી ગઈ છે.

આ સમગ્ર મામલો ગુરુવારે ત્યારે ગરમાયો હતો જ્યારે સિંગલ જજની બેન્ચે ફિલ્મની સામગ્રીને સાંપ્રદાયિક સૌહાર્દ માટે જોખમી ગણાવી તેના પર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે એવી શંકા વ્યક્ત કરી હતી કે સેન્સર બોર્ડે ફિલ્મને પ્રમાણપત્ર આપવામાં ઉતાવળ કરી છે. જોકે, ફિલ્મના નિર્માતાઓએ તાત્કાલિક અસરથી ડિવિઝન બેન્ચનો સંપર્ક કર્યો અને રાત્રે 7:30 વાગ્યે સ્પેશિયલ હિયરિંગ યોજાઈ હતી. નિર્માતાઓએ દલીલ કરી હતી કે ફિલ્મ અભિવ્યક્તિની આઝાદીનો હિસ્સો છે અને કોઈ સમુદાયને બદનામ કરવાનો તેમનો ઈરાદો નથી. અંતે, ડિવિઝન બેન્ચે તમામ પાસાઓની તપાસ કર્યા પછી ફિલ્મને થિયેટરમાં લાવવાનો માર્ગ મોકળો કર્યો હતો.

'ધ કેરળ સ્ટોરી 2' ને લઈને શરૂઆતથી જ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મ કેરળની છબીને નકારાત્મક રીતે રજૂ કરે છે, જ્યારે સમર્થકો તેને સામાજિક વાસ્તવિકતાનું પ્રતિબિંબ ગણાવી રહ્યા છે. રિલીઝના દિવસે જ કોર્ટના આ પલટાયેલા નિર્ણયથી બોક્સ ઓફિસ પર ફિલ્મની શરૂઆત અત્યંત ધમાકેદાર રહેવાની સંભાવના છે. હવે જ્યારે તમામ કાયદાકીય અવરોધો દૂર થઈ ગયા છે, ત્યારે જોવાનું એ રહેશે કે દર્શકો આ વિવાદાસ્પદ ફિલ્મને કેવો પ્રતિસાદ આપે છે. કેરળ સહિત દેશભરના સિનેમાઘરોમાં હવે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે.

(6:47 PM IST)