હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્પેનમાં માસિક માફી યોજના પર અરાજકતાના વાદળો: અડધા મિલિયન પ્રવાસીઓને કાયદેસર કરવાની જાહેરાત બાદ ઇમિગ્રેશન ઓફિસો ઠપ્પ, અરજદારોમાં ફફડાટ
બજેટ અને સ્ટાફના અભાવે સરકારી કચેરીઓ જામ: જૂન ૨૦૨૫ ની અરજીઓ હજુ પેન્ડિંગ છે ત્યાં નવા ભારણને કારણે સિસ્ટમ ધરાશાયી થવાની ભીતિ, એપ્રિલમાં શરૂ થનારી પ્રક્રિયા પર લટકતી તલવાર

મેડ્રિડ: યુરોપિયન દેશ સ્પેન હાલમાં તેના ઇતિહાસના સૌથી મોટા ઇમિગ્રેશન પડકારનો સામનો કરી રહ્યો છે. સ્પેન સરકારે અંદાજે ૫ લાખ (અડધો મિલિયન) બિનદસ્તાવેજીકૃત સ્થળાંતર કરનારાઓને કાયદેસરનો દરજ્જો આપવા માટે 'સામૂહિક માફી' (Mass Amnesty) ની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ પૂરતા સંસાધનો અને આયોજનના અભાવે આખી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ અટવાતી જોવા મળી રહી છે. વકીલો, યુનિયન નેતાઓ અને અરજદારોએ ચેતવણી આપી છે કે સરકારની આ યોજના 'લોન્ચ' થતાની સાથે જ અરાજકતામાં પરિણમી શકે છે.
કચેરીઓ હાઉસફુલ, સ્ટાફની ભારે અછત
સ્પેન સરકારની જાહેરાત મુજબ આ ઝુંબેશ એપ્રિલથી જૂન સુધી ચાલવાની છે. જોકે, ઇમિગ્રેશન અધિકારીઓના યુનિયન નેતા સીઝર પેરેઝના જણાવ્યા અનુસાર, હાલની ઓફિસો પહેલેથી જ કામના ભારણ હેઠળ દબાયેલી છે. અધિકારીઓ હજુ જૂન ૨૦૨૫ ની જૂની અરજીઓ ઉકેલી રહ્યા છે, ત્યાં નવી લાખો અરજીઓનો બોજ સહન કરવો અશક્ય છે. ચોંકાવનારી વાત એ છે કે સરકારે આ જંગી કામગીરી માટે કોઈ વધારાનું બજેટ કે નવા સ્ટાફની ફાળવણી કરી નથી.
સ્થળાંતર કરનારાઓમાં ડર અને મજબૂરી
આ અનિશ્ચિતતાનો સૌથી વધુ ભોગ પેરુ અને અન્ય દેશોમાંથી ભાગીને આવેલા શરણાર્થીઓ બની રહ્યા છે. ૩૭ વર્ષીય આઇરિસ રોચા જેવી અનેક મહિલાઓ ચિંતામાં છે કે કયા દસ્તાવેજો રજૂ કરવા પડશે તે હજુ સ્પષ્ટ નથી. સરકારી સ્પષ્ટતાના અભાવે મધ્યસ્થીઓ અને એજન્ટો સક્રિય થયા છે, જેઓ એપ્રિલની એપોઇન્ટમેન્ટ અપાવવાના નામે ગેરકાયદેસર રીતે મોટી રકમ વસૂલી રહ્યા છે.
આર્થિક તેજી અને રાજકીય અવરોધ
સ્પેનનું અર્થતંત્ર છેલ્લા ચાર વર્ષમાં સ્થળાંતર કરનારાઓને કારણે વેગવંતું બન્યું છે. દેશને તેની સામાજિક સુરક્ષા વ્યવસ્થા ટકાવી રાખવા માટે આગામી દાયકામાં વધુ ૨૪ લાખ કામદારોની જરૂર છે. આમ છતાં, સ્પેનની સંસદમાં પક્ષો વચ્ચેના આંતરિક વિખવાદ અને ૨૦૨૩ થી બજેટ પસાર ન થવાને કારણે ઇમિગ્રેશન મંત્રાલય લાચાર બન્યું છે. સરકારે હવે બિન-સરકારી સંગઠનો (NGOs) અને ટ્રેડ યુનિયનોની મદદ લેવાનું વિચારી રહી છે, પરંતુ નિષ્ણાતો તેને માત્ર વચગાળાનો રસ્તો માની રહ્યા છે.
જો સરકાર સમયસર સ્ટાફ અને ટેકનિકલ મજબૂતીકરણ નહીં કરે, તો હજારો લોકોના 'કાનૂની જીવન' મેળવવાના સપના વહીવટી વિલંબના કાદવમાં ખૂંપી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
