<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ટ્રમ્પ સરકારની '૧ લાખ ડોલર'ની વિઝા ફી સામે કાનૂની જંગ: માત્ર ૭૦ કંપનીઓએ જ ચૂકવી આ તોતિંગ રકમ, અમેરિકી કોર્ટમાં સરકાર અને નોકરીદાતાઓ વચ્ચે આરપારની લડાઈ

નાના ઉદ્યોગો માટે H-1B વિઝા હવે 'આકાશકુસુમવત': કંપનીઓએ ફીને ગેરકાયદેસર 'ટેક્સ' ગણાવ્યો, જ્યારે સરકારે બચાવમાં કહ્યું- "ઓછી આવક દર્શાવે છે કે આ કર નથી"

નવી દિલ્હી: અમેરિકામાં સ્થાયી થવા અને નોકરી કરવા ઈચ્છતા વિદેશી કુશળ કામદારો, ખાસ કરીને ભારતીયો માટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલી $100,000 (આશરે ₹84 લાખ) ની H-1B વિઝા ફી હાલમાં ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં છે. કેલિફોર્નિયાની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં માત્ર ૭૦ જેટલા નોકરીદાતાઓએ જ આ ભારેખમ ફી ચૂકવીને બહારથી કામદારો બોલાવ્યા છે.

કોર્ટમાં સરકારની વિચિત્ર દલીલ

ઓકલેન્ડમાં ફેડરલ ન્યાયાધીશો સમક્ષ સુનાવણી દરમિયાન ન્યાય વિભાગના વકીલ ટિબેરિયસ ડેવિસે એક અજીબોગરીબ દલીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ફી ચૂકવનારાઓની ઓછી સંખ્યા એ વાતનો પુરાવો છે કે સરકાર આના દ્વારા પોતાની આવક વધારવા માંગતી નથી, તેથી તેને 'કર' (Tax) કહી શકાય નહીં. સરકારના મતે, ઇમિગ્રેશન કાયદા હેઠળ તેમને ચોક્કસ શ્રેણીના વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવાનો સંપૂર્ણ અધિકાર છે.

કંપનીઓનો આક્રોશ: "આ સત્તાનો દુરુપયોગ છે"

બીજી તરફ, વાદી પક્ષ (જેમાં નર્સ ભરતી કરતી ફર્મ અને નાના ઉદ્યોગો સામેલ છે) એ દલીલ કરી છે કે આટલી મોટી રકમ વસૂલવી એ વહીવટી સત્તાનો દુરુપયોગ છે. વાદીઓના વકીલ એસ્થર સુંગે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓને ટાંકીને કહ્યું કે, કોઈપણ નાણાકીય શુલ્ક લાદવા માટે કોંગ્રેસ (અમેરિકી સંસદ) ની સ્પષ્ટ મંજૂરી હોવી જરૂરી છે, જે આ કિસ્સામાં નથી. આ ફીને કારણે નાના નોકરીદાતાઓ માટે કુશળ પ્રતિભા શોધવી હવે અશક્ય બની ગઈ છે.

નાના વ્યવસાયો પર સંકટ

H-1B વિઝા એ અમેરિકી ટેક કંપનીઓ માટે કરોડરજ્જુ સમાન છે. પરંતુ $100,000 ની ફી મનસ્વી રીતે લાદવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કંપનીઓનું કહેવું છે કે સામાન્ય રીતે ઇમિગ્રેશન ફી માત્ર વહીવટી ખર્ચને આવરી લેવા માટે હોય છે, પરંતુ આ ફી તો શિક્ષાત્મક પગલા જેવી લાગે છે.

શું થશે આગળ?

ન્યાયાધીશ હેવુડ એસ. ગિલિયમ જુનિયરે હાલમાં કોઈ વચગાળાનો મનાઈ હુકમ આપ્યો નથી, પરંતુ તેમણે સરકારની સ્ટે (Stay) મૂકવાની વિનંતી ફગાવી દીધી છે. કોર્ટે બંને પક્ષોને ટેરિફ (જકાત) અંગેના સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયો કેવી રીતે આ કેસને અસર કરે છે તેના પર વધુ દલીલો રજૂ કરવા કહ્યું છે.

આ કેસનું પરિણામ આગામી વર્ષોમાં અમેરિકામાં ભારતીય આઈટી એન્જિનિયરો અને અન્ય પ્રોફેશનલ્સના ભવિષ્ય પર સીધી અસર કરશે. જો કોર્ટ આ ફીને માન્ય રાખે છે, તો અમેરિકામાં નોકરી મેળવવી એ માત્ર મોટી કંપનીઓ સુધી જ સીમિત રહી જશે.

 

(6:49 PM IST)