હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજસ્થાન : બાલોત્રા હાઈવે પર કાળનો પંજો: સ્લીપર બસ અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર: 7 જિંદગીઓ હોમાઈ
સરવાડી ગામ નજીક નેશનલ હાઈવે પર મધરાત્રે સર્જાયો લોહિયાળ જંગ: પૂરપાટ ઝડપે જતી બસ ટ્રેલર પાછળ ઘૂસી જતાં મુસાફરોના કરૂણ મોત

બાલોત્રા: રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં નેશનલ હાઈવે પર રવિવારે મોડી રાત્રે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના ઘટી હતી. સરવાડી ગામ પાસે એક સ્લીપર કોચ બસ આગળ જઈ રહેલા વિશાળ ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લોહીની નદીઓ વહી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસના આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા અને બસ ટ્રેલરની અંદર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતને નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ, હાઈવે પર જાણે મોતનું તાંડવ ખેલાયું હોય તેવા દ્રશ્યો હતા. નિદ્રાધીન મુસાફરોને બચવાની એક સેકન્ડ પણ મળી નહોતી, અને ઊંઘમાં જ અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા હતા.
અકસ્માત બાદ ઘટનાસ્થળે સર્જાયેલા દ્રશ્યો કંપારી છૂટી જાય તેવા હતા. સ્લીપર બસની કેબિન અને સીટોમાં ફસાયેલા મુસાફરો લોહીલુહાણ હાલતમાં મદદ માટે બૂમો પાડી રહ્યા હતા, જ્યારે સાત મુસાફરોના ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન જોવા મળ્યું કે કેટલાક મૃતદેહો બસના ક્ષતિગ્રસ્ત પતરાંમાં લટકી રહ્યા હતા. સ્થાનિક ગ્રામજનો અને પોલીસે તાત્કાલિક લોખંડના પતરાં કાપીને મુસાફરોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હજુ પણ કેટલાકની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની દહેશત સેવાઈ રહી છે.
આ ભીષણ અકસ્માતને પગલે હાઈવે પર કિલોમીટરો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, બસની અતિશય ગતિ અથવા ડ્રાઈવરને ઝોકું આવી જવું અકસ્માતનું કારણ હોઈ શકે છે. અકસ્માત એટલો જોરદાર હતો કે થોડી જ સેકન્ડોમાં આખી બસ લોખંડના ભંગારમાં ફેરવાઈ ગઈ હતી. હાલમાં પોલીસે મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે. રાજસ્થાન સરકારે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાના આદેશો આપ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
