હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સિંગાપોરમાં વસ્તીનું સંકટ: જન્મદરમાં રેકોર્ડબ્રેક ઘટાડો થતા હવે દર વર્ષે ૩૦ હજાર વિદેશીઓને 'નાગરિકતા' આપશે સરકાર
૦.૮૭ ના લઘુત્તમ સ્તરે પહોંચ્યો પ્રજનન દર: વસ્તીનું સંતુલન જાળવવા 'ઇમિગ્રેશન' એકમાત્ર વિકલ્પ, આગામી પાંચ વર્ષમાં હજારો પ્રવાસીઓ માટે ખુલશે સિંગાપોરના દ્વાર

સિંગાપોર: એશિયાના આર્થિક હબ ગણાતા સિંગાપોરમાં વસ્તી વૃદ્ધિની ગતિ ચિંતાજનક રીતે ધીમી પડી રહી છે. સિંગાપોરનો પ્રજનન દર ૨૦૨૫ માં ઘટીને ૦.૮૭ ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે, જે દેશના અર્થતંત્ર અને સમાજ માટે ખતરાની ઘંટડી સમાન છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે સિંગાપોર સરકારે હવે ઇમિગ્રેશનના નિયમોમાં મોટો ફેરફાર કરવાની અને વિદેશીઓને વધુ સંખ્યામાં નાગરિકતા આપવાની વ્યૂહરચના તૈયાર કરી છે.
જન્મદરમાં મોટો ઘટાડો અને સરકારની ચિંતા
નાયબ વડા પ્રધાન ગાન કિમ યોંગે સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૦૨૫ માં સિંગાપોરમાં માત્ર ૨૭,૫૦૦ બાળકોનો જન્મ થયો છે, જે દેશના ઇતિહાસમાં સૌથી ઓછો આંકડો છે. ૨૦૨૩ થી સતત જન્મદર ૧.૦ ની નીચે રહ્યો છે. સરકાર દંપતીઓને વધુ બાળકો પેદા કરવા માટે આર્થિક પ્રોત્સાહનો આપી રહી હોવા છતાં, લગ્ન દરમાં ઘટાડો અને મોડા બાળકો રાખવાની વૃત્તિને કારણે વસ્તીનું માળખું ખોરવાઈ રહ્યું છે.
નવી નાગરિકતા નીતિ
વસ્તીના ઘટાડાને રોકવા માટે સિંગાપોર હવે દર વર્ષે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ વિદેશીઓને નવા નાગરિક તરીકે આવકારવાની યોજના ધરાવે છે. ૨૦૨૫ માં પણ દેશે અંદાજે ૨૫,૦૦૦ લોકોને નાગરિકતા આપી છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે 'કાયમી નિવાસી' (PR) ના ક્વોટામાં પણ વધારો કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં દર વર્ષે અંદાજે ૪૦,૦૦૦ લોકોને PR સ્ટેટસ આપવાનું લક્ષ્ય છે, જે અગાઉના ૩૫,૦૦૦ કરતા વધુ છે.
અર્થતંત્ર પર અસર
વૃદ્ધ થતી વસ્તી અને ઘટતા જન્મદરને કારણે સિંગાપોરના શ્રમ બજાર (Labour Market) માં કામદારોની અછત સર્જાઈ શકે છે. વડા પ્રધાન ગાનના મતે, જો સમયસર ઇમિગ્રેશન પ્રવાહનું વ્યવસ્થાપન કરવામાં નહીં આવે, તો આગામી વર્ષોમાં સિંગાપોરની આર્થિક પ્રગતિ રૂંધાઈ શકે છે. સિંગાપોરની પીઆર વસ્તી હાલમાં ૫.૪૦ લાખ પર સ્થિર છે, જેને વધારવી હવે સરકાર માટે અનિવાર્ય બની ગઈ છે.
આ નવા ફેરફારોથી ભારત સહિત અન્ય દેશોના કુશળ કામદારો માટે સિંગાપોરમાં સ્થાયી થવાની અને નાગરિકતા મેળવવાની તકોમાં મોટો ઉછાળો આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
