હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળમાં 'પરિવર્તન'નો શંખનાદ: હાઈકોર્ટે ભાજપની યાત્રાને આપી લીલી ઝંડી : અમિત શાહ ગજવશે મેદાન!
મમતા ગઢમાં ભાજપનું શક્તિ પ્રદર્શન: કોર્ટે શરતી મંજૂરી આપતા રાજકીય પારો આસમાને : રાયદીઘીથી શાહ કરાવશે પ્રારંભ અને 14 માર્ચે પીએમ મોદીની બ્રિગેડ રેલી સાથે થશે મહાકુંભ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીનો જંગ હવે સડકો પર જોવા મળશે. લાંબી કાનૂની લડાઈ અને વહીવટી અવરોધો બાદ, કોલકાતા હાઈકોર્ટે ભાજપની બહુચર્ચિત 'પરિવર્તન યાત્રા'ને શરતી મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ શુભ્રા ઘોષની બેન્ચે આદેશ આપ્યો છે કે ભાજપ 1 અને 2 માર્ચના રોજ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી આ યાત્રા કાઢી શકશે. જોકે, કોર્ટે ભીડ પર નિયંત્રણ રાખતા સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ એક સ્થળે 1,000 થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. આ મંજૂરી મળતા જ ભાજપના છાવણીમાં ઉત્સાહનો માહોલ છે અને બંગાળની ગલીઓમાં 'પરિવર્તન'ના નારા ગુંજવા લાગ્યા છે.
આ રાજકીય શક્તિ પ્રદર્શનને ધાર આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે મેદાનમાં ઉતરી રહ્યા છે. શાહના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરાયો છે અને તેઓ હવે 2 માર્ચે દક્ષિણ 24 પરગણાના રાયદીઘીથી આ યાત્રાને લીલી ઝંડી બતાવશે. ભાજપે આખા રાજ્યને 10 સંગઠનાત્મક વિભાગોમાં વહેંચ્યું છે, જેમાંથી નવ વિભાગો આ યાત્રા હેઠળ આવરી લેવામાં આવશે. સંદેશખલી અને કૂચ બિહાર જેવા સંવેદનશીલ અને વ્યૂહાત્મક વિસ્તારોમાંથી પસાર થનારી આ યાત્રા મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે સીધો પડકાર માનવામાં આવી રહી છે.
ભાજપની આ વ્યૂહરચના માત્ર યાત્રા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેનું લક્ષ્ય 14 માર્ચની ભવ્ય 'બ્રિગેડ રેલી' છે. આ રેલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરવાના છે, જેના કારણે કોલકાતા વિભાગને હાલની યાત્રામાંથી મુક્તિ આપવામાં આવી છે જેથી બધી તાકાત રેલીમાં લગાવી શકાય. હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને 3 અને 4 માર્ચે યાત્રામાં વિરામ રહેશે અને 5 માર્ચથી તે ફરી પૂરજોશમાં શરૂ થશે. હાઈકોર્ટના આદેશ મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની રહેશે, પરંતુ આ યાત્રા બંગાળના રાજકારણમાં કેટલું પરિવર્તન લાવે છે તેના પર આખા દેશની નજર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
