હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય પૂર્વમાં વિનાશના ભણકારા: અમેરિકાએ ઈઝરાયલ ખાલી કરાવ્યું : ચીને નાગરિકોને ઈરાન છોડવા ફતવો બહાર પાડ્યો
વાટાઘાટો નિષ્ફળ જતાં જંગના એંધાણ : રાજદૂત માઈક હુકાબીએ 'તાત્કાલિક ટિકિટ બુક કરવા'ની આપી ચેતવણી

જેરુસલેમ: વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઊભું હોય તેવી ભયાનક સ્થિતિ મધ્ય પૂર્વમાં સર્જાઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો ગજગ્રાહ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે, જેના કારણે અમેરિકાએ ઈઝરાયલમાંથી પોતાના બિન-આવશ્યક કર્મચારીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઈઝરાયલમાં અમેરિકી રાજદૂત માઈક હુકાબીએ એક ઈમરજન્સી ઈમેલ દ્વારા દૂતાવાસના સ્ટાફને સ્પષ્ટ સૂચના આપી છે કે હવાઈ ટિકિટની માંગ વધે તે પહેલાં જ દેશ છોડી દેવો હિતાવહ છે. આ હિલચાલ માત્ર સુરક્ષા સાવચેતી નથી, પરંતુ પડદા પાછળ ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટો નિષ્ફળ જવાની સીધી નિશાની હોવાનું રક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે.
બીજી તરફ, ઈરાને પણ પોતાના તેવર આક્રમક બનાવ્યા છે. સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના પ્રતિનિધિ લુત્ફુલ્લાહ દેઝકમે ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો અમેરિકા સાથેની ચર્ચા કોઈ સકારાત્મક પરિણામ નહીં આપે, તો ઈરાન યુદ્ધના મેદાનમાં ઉતરતા ખચકાશે નહીં. ઈરાની ધર્મગુરુએ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ મજબૂત સ્થિતિમાં છે અને દુશ્મન દેશોએ યુદ્ધના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. આ નિવેદનને પગલે અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરી છે, જેમાં અમેરિકન નાગરિકોને ગાઝા, લેબનીઝ અને સીરિયન સરહદોથી દૂર રહેવા અને ભીડભાડ વાળા વિસ્તારોથી બચવા તાકીદ કરી છે.
યુદ્ધની આ આશંકાઓ વચ્ચે ચીને પણ મેદાનમાં ઉતરીને પોતાના નાગરિકોની સુરક્ષા માટે મોટું ડગલું ભર્યું છે. ચીની વિદેશ મંત્રાલયે ઈરાનમાં વસતા પોતાના નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવા અથવા જમીન માર્ગે પડોશી દેશોમાં ખસી જવા આદેશ આપ્યો છે. ચીની દૂતાવાસ હવે તેના નાગરિકોને વ્યાપારી ફ્લાઈટ્સ દ્વારા બહાર કાઢવામાં મદદ કરી રહ્યું છે. જેરુસલેમના જૂના શહેર અને પશ્ચિમ કાંઠા જેવા વિસ્તારોમાં કોઈપણ સૂચના વિના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે, જે સૂચવે છે કે કોઈપણ ક્ષણે મોટો વિસ્ફોટ થઈ શકે છે. સમગ્ર વિશ્વની નજર હવે આ બે અણુશક્તિઓ વચ્ચેના સંઘર્ષ પર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
