<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 'ઓપન વોર'ની જાહેરાત: તાલિબાને વળતો પ્રહાર કરતા પાક. રક્ષા મંત્રી વિફર્યા, અફઘાનિસ્તાનને ગણાવ્યું 'ભારતની કોલોની'

કાબુલ અને કંદહાર પર પાકિસ્તાની વાયુસેનાનો બોમ્બમારો: પરાજયના ડરથી પાકિસ્તાને ફરી ભારતનો રાગ આલાપ્યો, સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા મધ્ય એશિયામાં ભારે તણાવ

ઇસ્લામાબાદ:પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો હવે લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયા છે. પાકિસ્તાની વાયુસેના દ્વારા અફઘાનિસ્તાનના કાબુલ, કંદહાર અને પક્તિયા પ્રાંતમાં કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે 'ખુલ્લું યુદ્ધ' છેડાઈ ગયું છે. તાલિબાન દળોએ પણ પાકિસ્તાની સરહદી ચોકીઓ અને સૈન્ય ઠેકાણાઓ પર જબરદસ્ત વળતો પ્રહાર કરતા પાકિસ્તાની સેનાને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
તાલિબાન સામે પરાસ્ત થતા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ફરી એકવાર ભારતનો સહારો લીધો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તાલિબાને અફઘાનિસ્તાનને "ભારતની કોલોની" (વસાહત) બનાવી દીધું છે. આસિફે વધુમાં આરોપ લગાવ્યો કે અફઘાનિસ્તાન પોતાની ધરતી પરથી આતંકવાદીઓનું 'નિકાસ' કરી રહ્યું છે અને પાકિસ્તાનની સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યું છે.
તાલિબાનના આર્મી ચીફે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે કે જો અફઘાનિસ્તાન તરફ આંગળી પણ ચીંધવામાં આવશે, તો તેનો જવાબ મુઠ્ઠી વાળીને એવો આપવામાં આવશે કે પાકિસ્તાન યાદ રાખશે. અફઘાન દળોએ પાકિસ્તાની એરસ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાની પીએમઓ (વડાપ્રધાન કાર્યાલય) નજીક ડ્રોન હુમલા કર્યા હોવાના પણ અહેવાલો છે, જેનાથી ઈસ્લામાબાદમાં હડકંપ મચી ગયો છે.
આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાન પાસે રહેલી ચીની બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ અફઘાન ડ્રોનને રોકવામાં નિષ્ફળ રહી હોય તેમ લાગે છે. જનરલ આસીમ મુનીરની સેના અત્યારે ત્રણ મોરચે ફસાયેલી જોવા મળી રહી છે – એક તરફ ભારત સાથે તણાવ, બીજી તરફ બલૂચિસ્તાનમાં BLA ના હુમલા અને હવે અફઘાનિસ્તાન સાથે સીધું યુદ્ધ.
નિષ્ણાતો માને છે કે જો આ સંઘર્ષ જલ્દી નહીં અટકે તો સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા ફેલાઈ શકે છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પહેલેથી જ ડામાડોળ છે, ત્યારે આ નવું યુદ્ધ તેના માટે ઘાતક સાબિત થઈ શકે છે.

(7:49 PM IST)