<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

રિંકુ સિંહના પિતાના અવસાનથી દેશ શોકમાં અને અક્ષર-અર્શદીપ 'રીલબાજી'માં વ્યસ્ત? નેટીઝન્સે ખેલાડીઓને ખખડાવ્યા- "થોડી તો શરમ કરો!"

સાથી ખેલાડીના પિતાના નિધનના દિવસે જ રમૂજી વીડિયો શેર કરતા ફેન્સ લાલચોળ: સોશિયલ મીડિયા પર અસંવેદનશીલ વર્તન બદલ ભારતીય ક્રિકેટરોની આકરી ટીકા

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહના પિતાનું શુક્રવારે કેન્સરની લાંબી બીમારી બાદ નિધન થયું છે. આ દુઃખદ સમાચારથી સમગ્ર ક્રિકેટ જગત સ્તબ્ધ છે અને ચાહકો રિંકુ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. જોકે, આ ગંભીર પળોમાં રિંકુના સાથી ખેલાડીઓ અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ દ્વારા શેર કરવામાં આવેલા એક રમૂજી વીડિયોએ સોશિયલ મીડિયા પર વિવાદનો મધપૂડો છેડ્યો છે.

શું છે વિવાદનું કારણ?

એક તરફ જ્યારે રિંકુ સિંહ પોતાના પિતાના અંતિમ સંસ્કાર અને શોકમાં ડૂબેલા હતા, ત્યારે જ સોશિયલ મીડિયા પર અક્ષર પટેલ અને અર્શદીપ સિંહનો એક ફની વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ જસપ્રીત બુમરાહની મજાક ઉડાવતા અને મોહમ્મદ સિરાજ સાથે હસી-મજાક કરતા જોવા મળે છે. નેટીઝન્સનો આક્ષેપ છે કે પોતાના જ સાથી મિત્રના ઘરે આવડી મોટી દુર્ઘટના બની હોય ત્યારે આવી 'રીલબાજી' કરવી અત્યંત અસંવેદનશીલ ગણાય.

સોશિયલ મીડિયા પર રોષની જ્વાળા

વીડિયો સામે આવતાની સાથે જ ક્રિકેટ ચાહકોએ આ ખેલાડીઓને આડેહાથ લીધા છે. એક યુઝરે લખ્યું, "થોડી તો શરમ કરો, હજુ રિંકુ ભાઈના પિતાના અવસાનને એક દિવસ પણ થયો નથી અને તમે મજાક કરી રહ્યા છો." અન્ય એક યુઝરે તો ગુસ્સામાં ત્યાં સુધી કહી દીધું કે, "આવી અસંવેદનશીલતા બદલ ભારત વર્લ્ડ કપની ફાઈનલ પણ નહીં રમે, મારી બદદુઆ છે." લોકોનું કહેવું છે કે જો ખેલાડીઓ ખરેખર રિંકુનું દુઃખ અનુભવતા હોત તો તેઓ અત્યારે આવી પ્રવૃત્તિઓથી દૂર રહ્યા હોત.

ટાઈમિંગ પર ઉઠ્યા સવાલો

ક્રિકેટર અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ અગાઉ પણ પોતાની મસ્તીખોર અંદાજ માટે જાણીતા છે, પરંતુ આ વખતે તેમનું 'ટાઈમિંગ' ખોટું સાબિત થયું છે. અઝહર ખાનના અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા પર ખેલાડીઓના આ વર્તનને "અયોગ્ય અને અપમાનજનક" ગણાવવામાં આવી રહ્યું છે. ચાહકોની માંગ છે કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ મેદાનની બહાર પણ એકબીજાની લાગણીઓનું સન્માન કરવું જોઈએ.

જ્યાં એક તરફ રિંકુ સિંહના પિતાના નિધન પર દિગ્ગજો શોક વ્યક્ત કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ સાથી ખેલાડીઓની આ ભૂલે ભારતીય ક્રિકેટ ટીમના શિસ્ત અને એકતા પર સવાલો ઊભા કર્યા છે.

(8:17 PM IST)