<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

શું અફઘાનિસ્તાને ઇસ્લામાબાદ પર ડ્રોન હુમલો કર્યો? તાલિબાનના દાવાથી પાકિસ્તાનમાં ફફડાટ, ચીની સંરક્ષણ પ્રણાલી પર ઉઠ્યા સવાલ

એબોટાબાદ અને નૌશેરા સહિતના સૈન્ય મથકોને નિશાન બનાવ્યાનો તાલિબાનનો દાવો: પાકિસ્તાને કહ્યું- "નાના ડ્રોન તોડી પાડ્યા", સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ

ઇસ્લામાબાદ: દક્ષિણ એશિયાના રાજકારણમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. અફઘાનિસ્તાનના તાલિબાન સંરક્ષણ મંત્રાલયે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે તેમની વાયુસેનાએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ સહિત અનેક મહત્વના લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા છે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ થયેલા આ દાવાએ પાકિસ્તાનના સૈન્ય વડા આસીમ મુનીરની ઊંઘ ઉડાવી દીધી છે અને પ્રદેશમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
તાલિબાનના જણાવ્યા મુજબ, સવારે ૧૧ વાગ્યે અફઘાન ડ્રોને પાકિસ્તાનના અનેક સંવેદનશીલ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. જેમાં ઇસ્લામાબાદના ફૈઝાબાદ નજીકની લશ્કરી છાવણી, નૌશેરા, જમરુદ અને એબોટાબાદ (જ્યાં ઓસામા બિન લાદેન છુપાયો હતો) ના લશ્કરી મથકોનો સમાવેશ થાય છે. તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે આ હુમલા ૨૨ ફેબ્રુઆરીએ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલાનો વળતો જવાબ છે, જેમાં ૧૮ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા.
બીજી તરફ પાકિસ્તાની સૈન્ય અને સરકાર આ હુમલાની તીવ્રતાને ઘટાડીને જોઈ રહી છે. પાકિસ્તાની મંત્રીઓએ જણાવ્યું છે કે કેટલાક નાના ડ્રોને સરહદ ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો જેને એન્ટી-ડ્રોન સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. ઇસ્લામાબાદે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે સંપત્તિના નુકસાનનો ઇનકાર કર્યો છે. જોકે, રાજધાની સુધી ડ્રોન પહોંચી જવાની ઘટનાએ પાકિસ્તાનની હવાઈ સુરક્ષા અને ચીન પાસેથી ખરીદેલી સંરક્ષણ પ્રણાલીની અસરકારકતા પર મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે.
સંરક્ષણ નિષ્ણાતો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે જે દેશ પાસે આધુનિક વાયુસેના કે ફાઇટર જેટ્સનો અભાવ છે, તે પાકિસ્તાનની રાજધાની સુધી હુમલો કેવી રીતે કરી શકે? શું તાલિબાને અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી મેળવી લીધી છે કે પછી આ માત્ર નાના સ્તરે કરાયેલા આત્મઘાતી ડ્રોન હુમલા હતા? અહેવાલ મુજબ, આ ઘટના પાકિસ્તાન માટે ગંભીર સુરક્ષા ચૂક સમાન છે. આ સંઘર્ષ હવે બંને દેશો વચ્ચે 'ખુલ્લા યુદ્ધ' જેવો આકાર લઈ રહ્યો છે, જેની અસર સમગ્ર એશિયાના રાજકારણ પર જોવા મળી રહી છે

(8:52 PM IST)