<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

તાલિબાનના કહેરથી ફફડ્યું પાકિસ્તાન: યુદ્ધ રોકવા સાઉદી અરેબિયાના શરણે પહોંચ્યા વિદેશ મંત્રી, રિયાધમાં મદદ માટે આજીજી

પાક. વિદેશ મંત્રી ઇશાક ડારનો સાઉદી સમકક્ષને ઈમરજન્સી કોલ: અફઘાનિસ્તાને ૧૯ ચોકીઓ કબજે કરી ૫૫ સૈનિકોને ઠાર કર્યાનો દાવો, શું સાઉદી સેના પાકિસ્તાન બચાવવા મેદાનમાં ઉતરશે?

રિયાધ: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છેડાયેલા જંગે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. તાલિબાન દળોના પ્રચંડ હુમલા અને સરહદી ચોકીઓ પરના કબજાથી ગભરાયેલા પાકિસ્તાને હવે પોતાના જૂના મિત્ર સાઉદી અરેબિયા પાસે મદદની ગુહાર લગાવી છે. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને પ્રદેશમાં વધી રહેલા તણાવને ઓછો કરવા વિનંતી કરી છે.
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંરક્ષણ કરાર મુજબ, એક દેશ પરનો હુમલો બીજા દેશ પરનો હુમલો માનવામાં આવે છે. ઇશાક ડાર અત્યારે જેદ્દાહમાં ઇસ્લામિક સહકાર સંગઠન (OIC) ની બેઠકમાં હાજર છે, જ્યાં તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે. સાઉદી અરેબિયાના તાલિબાન સાથે પણ આર્થિક સંબંધો હોવાથી, પાકિસ્તાન ઈચ્છે છે કે રિયાધ મધ્યસ્થી કરીને તાલિબાનને હુમલા રોકવા માટે મનાવે.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે દાવો કર્યો છે કે તેમના દળોએ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનની ૧૯ સૈન્ય ચોકીઓ પર કબજો જમાવી લીધો છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૫૫ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે અને અનેકને યુદ્ધકેદી બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, પાકિસ્તાને કાબુલ અને કંદહારમાં કરેલા વળતા હવાઈ હુમલામાં ૧૩૩ લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે.
 પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આ સ્થિતિને "ખુલ્લું યુદ્ધ" જાહેર કર્યું છે. પોતાની સૈન્ય નિષ્ફળતા છુપાવવા માટે પાકિસ્તાને હંમેશની જેમ આ હુમલા પાછળ ભારતનો હાથ હોવાનો પાયાવિહોણો આક્ષેપ કર્યો છે. અહેવાલ મુજબ, પાકિસ્તાન અત્યારે સૈન્ય અને રાજદ્વારી બંને મોરચે ફસાયેલું જોવા મળી રહ્યું છે. શું સાઉદી અરેબિયા આ યુદ્ધમાં પાકિસ્તાનનો સાથ આપશે કે પછી તાલિબાન સાથેના પોતાના આર્થિક હિતોને જોતા તટસ્થ રહેશે? તે હવે જોવાનું રહ્યું.

(9:58 PM IST)