<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

હજારીબાગમાં 'લાકડી'નો ચમત્કાર: લોકફાળો અને ભીખ માંગીને ચૂંટણી લડનારા અરવિંદ રાણા બન્યા શહેરના નવા મેયર, દિગ્ગજોને ધૂળ ચટાડી

પત્રકારત્વ અને વકીલાત બાદ હવે રાજકારણમાં ડંકો: કપાળે તિલક અને ગળામાં કેસરી શાલ સાથે 'હિન્દુત્વ'ના જોરે ભાજપના ઉમેદવારને પણ હરાવ્યા, ૪૬૫૭ મતોથી મેળવી ભવ્ય જીત

હજારીબાગ: ઝારખંડના હજારીબાગ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે કોઈ ધનશક્તિ કે બાહુબલી નહીં, પણ જનતાના આશીર્વાદ અને 'ભીખ' ના જોરે ચૂંટણી લડનારા ઉમેદવારની જીત થઈ છે. વ્યવસાયે પત્રકાર અને વકીલ રહી ચૂકેલા અરવિંદ કુમાર રાણાએ મેયર પદની ચૂંટણીમાં પોતાના હરીફ મોહમ્મદ સરફરાઝ અહેમદને ૪,૬૫૭ મતોથી હરાવીને ઈતિહાસ રચી દીધો છે. શરૂઆતમાં જેમને નબળા માનવામાં આવતા હતા, તેવા અરવિંદ રાણાએ ૨૩,૫૦૦ મતો મેળવીને સૌને ચોંકાવી દીધા છે.
   અરવિંદ કુમાર રાણાની ચૂંટણી લડવાની રીત આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી. તેમની પાસે ચૂંટણી લડવા માટે પૂરતા પૈસા નહોતા, તેથી તેઓ હજારીબાગની ગલીઓમાં લોકો પાસે જઈને મતની સાથે દાન પણ માંગતા હતા. તેમણે પોતાના સોગંદનામામાં પણ જાહેર કર્યું હતું કે તેમની પાસે માત્ર ૧૦ થી ૨૦ હજાર રૂપિયા છે. જનતાએ તેમને સ્વેચ્છાએ આશરે ૧.૩૫ લાખ રૂપિયાનો ફાળો આપ્યો હતો. રાણાનું ચૂંટણી પ્રતીક "લાકડી" હતું, જેનો ઉપયોગ તેમણે પ્રચાર દરમિયાન પ્રતીકાત્મક રીતે કર્યો હતો.
પ્રચાર દરમિયાન અરવિંદ રાણાએ પ્રખર હિન્દુત્વનો ચહેરો ધારણ કર્યો હતો. કપાળ પર સિંદૂરનું તિલક અને ગળામાં કેસરી શાલ ધારણ કરીને તેમણે દાવો કર્યો હતો કે તેઓ જ સાચા હિન્દુત્વના રક્ષક છે. તેમણે વર્ષોથી ચાલતા 'ઘર વાપસી' અભિયાનમાં પોતાના યોગદાન વિશે લોકોને જણાવ્યું હતું. હિન્દુત્વના આ જ એજન્ડા પર તેમણે ભાજપના ઉમેદવારને પણ મ્હાત આપી દીધી છે.
 જીત બાદ જનતાને સંબોધતા અરવિંદ રાણાએ કહ્યું, "આ જીત મારી નથી, પણ હજારીબાગના દરેક એ નાગરિકની છે જેમણે એક સ્વચ્છ અને વિકસિત શહેરનું સપનું જોયું છે. તમે મને તમારા ભાઈ અને પુત્ર તરીકે સ્વીકાર્યો છે, જે મારા જીવનનું સૌથી મોટું સન્માન છે. હવે મારો સંકલ્પ દરેક શેરી અને મહોલ્લામાં પાયાની સુવિધાઓ પહોંચાડવાનો છે." અહેવાલ મુજબ, અરવિંદ રાણા હવે લોકશાહીના ત્રીજા સ્તંભ (સ્થાનિક સ્વરાજ્ય) માં પોતાની સેવા આપવા માટે તૈયાર છે. અગાઉ તેઓ પત્રકાર તરીકે અને વકીલ તરીકે સમાજમાં સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે.

(10:10 PM IST)