<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

કાશ્મીરમાં સુરક્ષા દળોમાં શોકનું મોજું: બે CRPF જવાનોએ સર્વિસ રાઇફલથી જીવન ટૂંકાવ્યું

શ્રીનગરના પરિમપોરા અને શોપિયાના બાટાપોરા કેમ્પમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓએ જવાનોના માનસિક તણાવ પર ઉભા કર્યા સવાલો : તપાસ એજન્સીઓ આત્મહત્યા પાછળના રહસ્યમય કારણો શોધવા કામે લાગી

શ્રીનગર:  જમ્મુ અને કાશ્મીરમાં ફરજ બજાવતા સુરક્ષા દળો માટે શુક્રવારનો દિવસ અત્યંત આઘાતજનક સાબિત થયો છે. ખીણના બે અલગ-અલગ વિસ્તારોમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ના બે જવાનોએ પોતાની જ સર્વિસ રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે. પ્રથમ ઘટના શ્રીનગરના પરિમપોરા પોલીસ સ્ટેશન પરિસરમાં બની હતી, જ્યાં તૈનાત જવાન હરિઓમે અચાનક પોતાની રાઇફલથી ગોળી ચલાવી જીવનલીલા સંકેલી લીધી હતી. ગોળીબારનો અવાજ સાંભળી સાથી જવાનો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને હરિઓમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

આ ઘટનાની શાહી હજુ સુકાઈ નહોતી ત્યાં જ શોપિયા જિલ્લાના બાટાપોરા કેમ્પમાંથી બીજા એક સૈનિકના આત્મહત્યાના સમાચાર મળ્યા હતા. અહીં તૈનાત CRPF જવાન મનીષે પણ શંકાસ્પદ સંજોગોમાં પોતાની રાઇફલ વડે આત્મઘાતી પગલું ભર્યું હતું. કાશ્મીર જેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં, જ્યાં જવાનો સતત આતંકવાદ વિરોધી ઓપરેશન અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત હોય છે, ત્યાં એક જ દિવસે બે જવાનો દ્વારા લેવાયેલા આ પગલાએ ઉચ્ચ અધિકારીઓને ચિંતામાં મૂકી દીધા છે. બંને જવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હાલમાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસ આ બંને કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સાઓ કામના બોજ અથવા વ્યક્તિગત પારિવારિક તણાવને કારણે હોવાનું મનાય છે, પરંતુ સત્તાવાર કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું આ જવાનો લાંબા સમયથી રજા પર જવા માંગતા હતા કે પછી અન્ય કોઈ ગંભીર કારણ હતું. CRPF ના ઉચ્ચ અધિકારીઓએ જવાનોના માનસિક સ્વાસ્થ્ય અને કાઉન્સેલિંગ પર ધ્યાન આપવાની ખાતરી આપી છે, જેથી ભવિષ્યમાં આવા હૃદયદ્રાવક કિસ્સાઓ અટકાવી શકાય.

(10:11 PM IST)