<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

જોધપુરમાં જામેલો 'મહા-લગ્ન'નો મેળાવડો: નિકેશ અરોરાની લાડલીના લગ્નમાં ઉમટશે અંબાણી-અદાણી અને અમેરિકી દિગ્ગજો!

ઉમેદ ભવન પેલેસમાં ૨૮ ફેબ્રુઆરીએ હિન્દુ વિધિથી લગ્નગ્રંથિમાં જોડાશે આયેશા અરોરા અને અમેરિકન આઈસ હોકી સ્ટાર જેક હ્યુજીસ

જોધપુર:  રાજસ્થાનની સુવર્ણ નગરી જોધપુર અત્યારે દુનિયાભરના અબજોપતિઓ અને પાવરફુલ હસ્તીઓનું કેન્દ્ર બની ગઈ છે. પાલો અલ્ટો નેટવર્ક્સના સીઈઓ અને ગ્લોબલ બિઝનેસ ટાયકૂન નિકેશ અરોરાની પુત્રી આયેશા અરોરાના લગ્ન અમેરિકાના સુપરસ્ટાર આઈસ હોકી ખેલાડી જેક હ્યુજીસ સાથે થવા જઈ રહ્યા છે. ઉમેદ ભવન પેલેસમાં ૨૮ ફેબ્રુઆરીએ યોજાનારા આ શાહી લગ્ન માટે ૨૫ ફેબ્રુઆરીથી જ જશ્ન શરૂ થઈ ગયો છે. બાલસમંદ લેક પેલેસમાં મહેમાનોએ ધામધૂમથી હોળી રમી હતી, જ્યારે શુક્રવારે સાંજે મેહરાનગઢ કિલ્લામાં એક ભવ્ય 'સંગીત સેરેમની' યોજાઈ રહી છે, જ્યાં દેશ-વિદેશના કલાકારો પોતાની કલાના જલવા વિખેરશે.

આ લગ્નની મહેમાન યાદી એટલી દમદાર છે કે તેને જોઈને કોઈપણની આંખો પહોળી થઈ જાય. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગુરુવારે જ ચાર્ટર પ્લેનથી જોધપુર પહોંચી ગયા છે, જ્યારે મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણી શનિવારે લગ્નની વિધિમાં હાજરી આપે તેવી પ્રબળ શક્યતા છે. માત્ર બિઝનેસ જ નહીં, પણ અમેરિકન વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક અને રાજદૂત સર્જિયો ગૌર જેવા રાજદ્વારીઓની હાજરી આ લગ્નને વૈશ્વિક સ્તરે મહત્વનું બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે વરરાજા જેક હ્યુજીસ ૨૦૨૬ વિન્ટર ઓલિમ્પિક્સના હીરો છે, જેમણે કેનેડા સામે વિજયી ગોલ કરીને અમેરિકાને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો, હવે તેઓ જોધપુરની ગલીઓમાં 'દેશી વરરાજા' બનીને હિન્દુ વિધિથી સાત ફેરા લેશે.

નિકેશ અરોરા વૈશ્વિક ટેક દુનિયાનું એક મોટું નામ છે, પરંતુ આ લગ્ન દ્વારા તેમણે પશ્ચિમની રમતગમત અને પૂર્વના બિઝનેસ જગતનો અદભૂત સંગમ કરાવ્યો છે. લગ્નના ચાર દિવસીય કાર્યક્રમો માટે જોધપુર એરપોર્ટ પર ખાનગી જેટ વિમાનોની લાઇન લાગી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા એટલી કડક છે કે પરિંદુ પણ પર મારી શકે નહીં. આયેશા અને જેકની આ જોડી સોશિયલ મીડિયા પર 'ટોક ઓફ ધ ટાઉન' બની છે. ખાસ કરીને જેક હ્યુજીસના ફેન્સ આતુર છે એ જોવા માટે કે એક અમેરિકન સ્પોર્ટ્સ આઈકોન ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં કેવો દેખાશે. આ લગ્ન જોધપુરના ઇતિહાસમાં સૌથી મોંઘા અને યાદગાર લગ્ન તરીકે નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

(9:34 PM IST)