બોલિવિયામાં એરફોર્સનું વિમાન રસ્તા પર ક્રેશઃ ૧૫ના મોત
રાજધાની લા પાઝ નજીક સર્જાઈ મોટી દુર્ઘટના : ૩૦ લોકો ઈજાગ્રસ્તઃ કેટલાકની હાલત ગંભીરઃ અનેક વાહનો સાથે અથડાયું હતું, જેના કારણે ભારે નુકસાન

લંડન તા.૨૮: બોલિવિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શુક્રવાર (૨૭ ફેબ્રુઆરી)ના રોજ બોલિવિયન એરફોર્સનું ઘ્-૧૩૦ હર્ક્યુલસ વિમાન રાજધાની લા પાઝ નજીક આવેલા એલ અલ્ટો શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં ૧૫ લોકોના મોત થયા હોવાની અને ૩૦ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.
સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, જેમાં એલ ડેબર અને યુનિટેલનો સમાવેશ થાય છે, ઘટના સાંજે અંદાજે ૬ વાગ્યે બની હતી. વિમાન લેન્ડિંગ અથવા ટેકઓફ દરમિયાન એલ અલ્ટો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે પરથી લપસી ગયું હતું. ત્યારબાદ તે એરપોર્ટની બાઉન્ડ્રી તોડી નજીકના રસ્તા પર પહોંચી ગયું અને અનેક વાહનો સાથે અથડાયું હતું, જેના કારણે ભારે નુકસાન થયું હતું.
કેટલાક અહેવાલો અનુસાર વિમાન દેશના અન્ય ભાગોમાં નવી છપાયેલી નોટો લઈ જઈ રહ્યું હતું. અકસ્માત બાદ રસ્તા પર નોટો વિખેરાઈ ગયાની ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે, પરંતુ સત્તાવાર રીતે આ બાબતની પુષ્ટિ કરવામાં આવી નથી.
અકસ્માત બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા. વિમાનમાં કુલ કેટલા લોકો સવાર હતા અને તેમની સ્થિતિ શું છે તેની સત્તાવાર માહિતી હજુ બહાર પાડવામાં આવી નથી.
અકસાનને પગલે એલ અલ્ટો ઇન્ટરનેશનલ એરપોર્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું હતું. અકસ્માતના કારણો અંગે બોલિવિયન એરફોર્સ અથવા સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
