હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાક-અફઘાન સંઘર્ષઃ ૩૦૦નાં મોતઃ ૫૦૦ ઘાયલ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની સૈન્ય ઠેકાણા ઉપર રાતભર બોંબ વરસાવ્યોઃ વિડિયો જારી કર્યો : પાકિસ્તાનનો પણ વળતો પ્રહારઃ ૨૭૪ અફઘાન લડાકુ માર્યો હોવાનો દાવોઃ ૧૧૫ ટેંક-બખ્તરબંધ ગાડીઓ-૭૪ ચોકીઓ તબાહ કરી

ઈસ્લામબાદ,તા.૨૮: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષમાં ૩૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને બંને બાજુ ૫૦૦ થી વધુ ઘાયલ થયા છે. બંને દેશો એકબીજાને વધુ લશ્કરી કાર્યવાહીની ધમકી આપી રહ્યા છે.પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ખુલ્લેઆમ યુદ્ધ શરૂ થઈ ગયું છે. તાલિબાન પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહ્યું છે. દિવસના આ હુમલા બાદ તાલિબાન પણ મૌન રહ્યું છે. આ દરમિયાન, અફઘાનિસ્તાનના તાલિબાનના નેતૃત્વ હેઠળના સંરક્ષણ મંત્રાલયે એક વીડિયો શેર કર્યો છે જેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક પછી એક અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.શુક્રવારે રિલીઝ થયેલા એક વીડિયોમાં પાકિસ્તાની ઠેકાણાઓ પર હુમલાઓ દર્શાવવામાં આવ્યા છે, જે બંને પડોશી દેશો વચ્ચે વધતા સંઘર્ષને ઉજાગર કરે છે. એક્સ પર આ વીડિયો શેર કર્યો છે, જે તાલિબાન સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલો છે. અફઘાનિસ્તાનના તાલિબાન સંરક્ષણ મંત્રાલયને આભારી આ ફૂટેજને ચાલુ તણાવ વચ્ચે બદલો લેવાની કાર્યવાહીના પુરાવા તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. મંત્રાલયનો દાવો છે કે આ વીડિયો તેની નવીનતમ લશ્કરી કાર્યવાહી દર્શાવે છે.
જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે હસ્તક્ષેપ કરશે, ત્યારે તેમણે જવાબ આપ્યો, હું હસ્તક્ષેપ કરી શકું છું, પરંતુ મારા પાકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો છે. પાકિસ્તાન હાલમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે.
પાકિસ્તાની લશ્કરી પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે દેશમાં આતંકવાદી હુમલાઓ પાછળ ભારતનો હાથ છે. તેમણે કહ્યું કે આ પ્રવૃત્તિઓ માટે અફઘાન તાલિબાનનો પ્રદેશનો ઉપયોગ થાય છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ ગુરુવારે મોડી રાત્રે શરૂ થયો જ્યારે અફઘાનિસ્તાને ૨૨ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની હવાઈ હુમલાનો બદલો લીધો. ત્યારબાદ પાકિસ્તાને ઓપરેશન ગઝબ-ઉલ-હક શરૂ કર્યું. પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંદહાર, પક્તિયા, નંગરહાર અને અન્ય પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા.
પાકિસ્તાન સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૨૭૪ તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા છે અને ૪૦૦ થી વધુ ઘાયલ થયા છે.
તેમનું કહેવું છે કે પાકિસ્તાની સેનાએ ૧૧૫ ટેન્ક અને સશષ વાહનોનો નાશ કર્યો હતો, ૭૪ ચેકપોઇન્ટનો નાશ કર્યો હતો અને ૧૮ ચેકપોઇન્ટ કબજે કરી હતી. પાકિસ્તાને પણ સ્વીકાર્યું હતું કે તેના ૧૨ સૈનિકો માર્યા ગયા હતા અને ૨૭ ઘાયલ થયા હતા.
દરમિયાન, તાલિબાન કહે છે કે તેના ફક્ત ૮ થી ૧૩ લડવૈયાઓ માર્યા ગયા હતા અને થોડા ઘાયલ થયા હતા. તેણે દાવો કર્યો હતો કે ૫૫ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને બે લશ્કરી મુખ્યાલય સહિત અનેક ચેકપોઇન્ટ કબજે કરવામાં આવ્યા હતા. જો પાકિસ્તાન વધુ હુમલાઓ શરૂ કરશે તો તાલિબાને વધુ કડક પ્રતિક્રિયા આપવાની ચેતવણી આપી છે.
મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાને શુક્રવારે અફઘાનિસ્તાનમાં અનેક રહેણાંક સ્થળો પર પણ હુમલો કર્યો હતો.
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેણે ડ્રોનથી પાકિસ્તાનની અંદર લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા હતા.
પાકિસ્તાનના માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારએ જણાવ્યું હતું કે એબોટાબાદ, સ્વાબી અને નૌશેરામાં નાના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા અને કોઈ મોટું નુકસાન થયું ન હતું. આ ઘટનાઓ બાદ, પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે તાત્કાલિક સમગ્ર દેશમાં ખાનગી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ભૂતપૂર્વ પાકિસ્તાની સૈન્ય અધિકારી આદિલ રઝાએ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનથી છોડવામાં આવેલા ડ્રોનથી ઇસ્લામાબાદ નજીક પરમાણુ પાવર પ્લાન્ટ સહિત અનેક મુખ્ય લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પાકિસ્તાનની સેનેટે અફઘાનિસ્તાનની નિદા કરતો ઠરાવ પસાર કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વધુ કોઈપણ ઉશ્કેરણીનો સખત અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે.
વડા પ્રધાન શાહબાઝ શરીફે લશ્કરી મુખ્યાલયની મુલાકાત લીધી અને તેમની શૂન્ય-સહિષ્ણુતા નીતિનો પુનરોચ્ચાર કર્યો. પાકિસ્તાનના માહિતી પ્રધાને અફઘાન તાલિબાન સરકારને ગેરકાયદેસર ગણાવી અને આરોપ લગાવ્યો કે મહિલાઓ અને લઘુમતીઓના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
૨૨ ફેબ્રુઆરીના રોજ, પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાનના નાયબ ગૃહમંત્રી તલાલ ચૌધરીએ દાવો કર્યો હતો કે સરહદી વિસ્તારોમાં ટીટીપીના ઠેકાણાઓ સામેના ઓપરેશનમાં ૭૦ લડવૈયાઓ માર્યા ગયા હતા. બાદમાં, પાકિસ્તાની અખબાર ડોનએ દાવો કર્યો હતો કે આ સંખ્યા વધીને ૮૦ થઈ ગઈ છે.
અફઘાનિસ્તાને આ હુમલાઓની સખત નિદા કરી હતી. તાલિબાને દાવો કર્યો હતો કે હુમલાઓમાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ટોલો ન્યૂઝ અનુસાર, નાંગરહારમાં એક ઘર પર હુમલા બાદ એક જ પરિવારના ૨૩ સભ્યો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાનને યોગ્ય સમયે કડક જવાબ મળશે. મંત્રાલયે આ હુમલાઓને દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર પર કોઈપણ આતંકવાદી સંગઠનને તેના પ્રદેશનો ઉપયોગ કરતા અટકાવવા માટે દબાણ કરી રહ્યું છે. ઇસ્લામાબાદનો આરોપ છે કે ટીટીપી અફઘાનિસ્તાનથી કાર્ય કરે છે, જે આરોપ તાલિબાન સરકારે સતત નકારી કાઢ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
