હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
AIની ‘સુનામી' ભારતમાં યુવાનો માટે પડકાર બનશેઃ ૨૬% નોકરીઓ ખતમ થઈ શકે છે
જોકે, એઆઈ ગમે તેટલું સચોટ બને, તે ક્યારેય માણસનો સંપૂર્ણ વિકલ્પ બની શકશે નહીં: નિષ્ણાતો

નવી દિલ્હી,તા.૨૮: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની સુનામીમાં ભારતમાં ઓછામાં ઓછી ૨૬ ટકા નોકરીઓ ખતમ થઈ શકે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) અને સિટ્રિની રિસર્ચના તાજેતરના અભ્યાસોમાં આ અંગે ગંભીર ચેતવણી આપવામાં આવી છે. આની સૌથી ખરાબ અસર કોલેજ પૂરી કરીને નોકરી શરૂ કરનારા યુવાનો પર પડશે.
આ અહેવાલમાં જણાવાયું છે કે નોકરીઓ પર એઆઈની અસર ‘સુનામી' જેવી હશે. તેનાથી વિશ્વભરમાં સરેરાશ ૪૦ ટકા નોકરીઓ પ્રભાવિત થશે, પરંતુ વિકસિત દેશોમાં આ આંકડો ૬૦ ટકા સુધી પહોંચી શકે છે. ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ કર્મચારીઓની છટણી અને નવી ભરતી પર રોક લગાવવા તરફ આગળ વધી રહી છે.
આઈએમએફના મેનેજિગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ જણાવ્યું છે કે એઆઈને કારણે એન્ટ્રી-લેવલની નોકરીઓ ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી(આઈટી) અને નાણાકીય ક્ષેત્રની નોકરીઓ પર સૌથી વધુ અસર થવાની સંભાવના છે. જે યુવાનો કોલેજમાંથી બહાર આવીને આઈટી સેક્ટરમાં જોડાય છે, તેમના કામનો મોટો હિસ્સો એઆઈ દ્વારા થઈ શકે તેમ છે. આનાથી નવી પેઢી સામે બેરોજગારીનું ગંભીર સંકટ ઊભું થયું છે. જોકે, જ્યોર્જીવા માને છે કે એઆઈનો વિરોધ કરવાને બદલે તેને યોગ્ય રીતે અપનાવવો જોઈએ, જે લાંબાગાળે વરદાન સાબિત થઈ શકે છે.
બીજી તરફ, ‘સિટ્રિની રિસર્ચ'ના રિપોર્ટ મુજબ, એઆઈને કારણે કોર્પોરેટ નફો અને ઉત્પાદકતા વધશે, જેનાથી કાગળ પર અર્થતંત્ર મજબૂત દેખાશે, પરંતુ મોટા પાયે નોકરીઓ ગુમાવવાને કારણે લોકોની આવક અને ખર્ચ કરવાની ક્ષમતા ઘટશે. આ ટેકનોલોજી નજીકના ભવિષ્યમાં કોડિગ, પ્રોગ્રામિગ, નાણાકીય વિશ્લેષણ અને કાયદાકીય ક્ષેત્રના વ્યાવસાયિકોની જગ્યા લઈ શકે છે.
આ સંકટમાંથી બચવાનો એકમાત્ર રસ્તો એઆઈનો સાચો ઉપયોગ શીખવો તે છે. આઈટી નિષ્ણાત અનિર્વાણ ચૌધરી કહે છે કે, જે લોકો આ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરશે, તેઓ અન્યો કરતા આગળ રહેશે. જોકે કેટલાક નિષ્ણાતો માને છે કે એઆઈ ક્યારેય ૧૦૦ ટકા સચોટ હોઈ શકતું નથી, છતાં તેની પ્રગતિ અટકાવી શકાય તેમ નથી.
ભારતીય આંકડાકીય સંસ્થા (આઈએસઆઈ)ના પ્રોફેસર સ્વાગતમ દાસ જણાવે છે કે, હવે માત્ર જૂની નોકરીઓ બચાવવી પૂરતું નથી, નવી નોકરીઓ પેદા કરવી પણ જરૂરી છે. નવી પેઢીએ બદલાતી પરિસ્થિતિ સાથે તાલમેલ રાખવા માટે ‘નવી સ્કિલ્સ' શીખવી પડશે. અંતે, નિષ્ણાતોનું માનવું છે કે એઆઈ ગમે તેટલું સચોટ બને, તે ક્યારેય માણસનો સંપૂર્ણ વિકલ્પ બની શકશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
