<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

પર્યટન સ્‍થળ માઉન્‍ટ આબુનું નવું નામ ‘આબુરાજ'

રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી ભજનલાલ શર્માએ વિધાનસભામાં ત્રણ ઐતિહાસિક શહેરોના નામ બદલવાની ઘોષણા કરી

સિરોહી,તા.૨૮: રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી ભજનલાલ શર્માએ વિધાનસભામાં ત્રણ ઐતિહાસિક શહેરોના નામ બદલવાની ઘોષણા કરી છે. આ ત્રણ નામોમાં માઉન્‍ટ આબુ, કામા અને જહાજપુર શહેરોનો સમાવેશ થાય છે. સરકારે તેને રાજ્‍યની સાંસ્‍કૃતિક અસ્‍મિતા અને ઐતિહાસિક ઓળખને પુનઃસ્‍થાપિત કરવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્‍યું છે.

સિરોહી જિલ્‍લામાં આવેલા પ્રસિદ્ધ પર્વતીય પર્યટન સ્‍થળ માઉન્‍ટ આબુ હવે આબુરાજ તરીકે ઓળખાશે. અરવલ્‍લીની પર્વતપાળામાં આવેલું આ સ્‍થળ વર્ષોથી રાજસ્‍થાનનું એકમાત્ર હિલ સ્‍ટેશન રહ્યું છે. સરકારનું કહેવું છે કે, માઉન્‍ટ આબુનું નવું નામ 'આબુરાજ' એ તેની પ્રાચીન ઓળખ સાથે સંકળાયેલું છે. જેને હવે ઔપચારિક માન્‍યતા આપવામાં આવી છે.

ભરતપુર જિલ્‍લાના ધાર્મિક મહત્ત્વ ધરાવતું શહેર કામા હવે 'કામવન'ના નામથી ઓળખવામાં આવશે. સરકાર અનુસાર આ નામ બ્રજ ક્ષેત્રના પ્રાચીન ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલું છે. છેલ્‍લા ઘણાં સમયથી સ્‍થાનિકો દ્વારા આ નામને પુનઃસ્‍થાપિત કરવાની માગ ઉઠી રહી હતી.

ભીલવાડા જિલ્‍લાના ઐતિહાસિક નગર જહાલપુર હવે 'યજ્ઞપુર' તરીકે ઓળખાશે. સરકારનો દાવો છે કે, આ શહેર પ્રાચીન યજ્ઞ પરંપરાઓ અને ધાર્મિક માન્‍યતાઓ સાથે સંકળાયેલું છે, જેના કારણે નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

મુખ્‍યમંત્રીએ વિધાનસભામાં જણાવ્‍યું હતું કે, રાજ્‍યના સાંસ્‍કૃતિક વારસા અને લોકોની લાગણીઓનું સન્‍માન કરવું એ સરકારની પ્રાથમિકતા છે. તેમના મતે, સમય જતાં ઘણા સ્‍થળોના મૂળ નામો બદલાયા છે, જેનાથી તેમની ઐતિહાસિક ઓળખ ઝાંખી પડી ગઈ છે. નવા નામો એ વારસાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે. ગેઝેટ નોટિફિકેશન જારી કરીને તમામ સરકારી રેકોર્ડ, તકતીઓ અને સાઇનબોર્ડ તબક્કાવાર બદલવામાં આવશે.

 

(10:19 AM IST)