<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ઈઝરાયલ-અમેરિકાના હુમલાથી ઈરાનના ૩૦ શહેરો ધણધણ્‍યાઃ પરમાણુ મથકો, રાષ્‍ટ્રપતિ ભવન અને ખામનેઇના ઘરને બનાવ્‍યા નિશાન

તેહરાનથી કોમ સુધી વિનાશનું તાંડવઃ ટ્રમ્‍પની ૪ દિવસ સુધી સતત હુમલા ચાલુ રાખવાની ખુલ્લી ધમકી

તહેરાન, તા.૨૮: મધ્‍ય-પૂર્વના ઈતિહાસમાં કયારેય ન જોઈ હોય તેવી ભયાનક સૈન્‍ય કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. અમેરિકા અને ઈઝરાયલે સંયુક્‍ત રીતે ઓપરેશન જુડાહની ઢાલ અંતર્ગત ઈરાન પર ૩૦થી વધુ અત્‍યાધુનિક મિસાઈલો છોડીને યુદ્ધનું બ્‍યુગલ ફૂંકી દીધું છે. આ હુમલામાં માત્ર સૈન્‍ય ઠેકાણાઓ જ નહીં, પરંતુ ઈરાનનું હૃદય ગણાતા તેહરાનના જોમહૌરી વિસ્‍તાર, રાષ્‍ટ્રપતિ ભવન અને ખુદ સુપ્રીમ લીડર આયાતોલ્લા ખામેનીના કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્‍યું છે. હુમલાની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે ઈરાનના સૌથી પવિત્ર ગણાતા શહેર કોમ સહિત ઈસ્‍ફહાન, તબરીઝ અને કરજ જેવા મહત્‍વના શહેરો વિસ્‍ફોટોથી ધણધણી ઉઠ્‍યા હતા. અહેવાલો મુજબ, ખામેનીને તાત્‍કાલિક કોઈ અજ્ઞાત સુરક્ષિત બંકરમાં ખસેડવામાં આવ્‍યા છે.

ઈઝરાયલી સેનાએ આ ઓપરેશનને અત્‍યંત ચોકસાઈપૂર્વક અંજામ આપ્‍યો છે, જેમાં ઈરાનના ખતરનાક ગણાતા IRGC (ઈસ્‍લામિક રિવોલ્‍યુશનરી ગાર્ડ કોર્પ્‍સ) ના ગુપ્તચર વિભાગના મુખ્‍યાલય અને ગળહ મંત્રાલયને ધ્‍વસ્‍ત કરી દેવામાં આવ્‍યું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઈરાનના પરમાણુ કેન્‍દ્રો પર પણ મિસાઈલમારો કરવામાં આવ્‍યો છે, જે સીધી રીતે ઈરાનની પરમાણુ ક્ષમતાને ખતમ કરવાનો પ્રયાસ છે. અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે આક્રમક મિજાજમાં સ્‍પષ્ટ કર્યું છે કે આ હુમલાઓ માત્ર શરૂઆત છે અને આગામી ચાર દિવસ સુધી ઈરાન પર સતત બોમ્‍બમારો ચાલુ રહેશે. ટ્રમ્‍પના મતે, ઈરાનનો બેલિસ્‍ટિક મિસાઈલ પ્રોજેક્‍ટ વિશ્વ માટે ખતરો છે અને તેને જડમૂળથી ઉખેડી ફેંકવો એ જ તેમનું અંતિમ લક્ષ્ય છે.

હુમલાની તુરંત બાદ ઈરાનનું સમગ્ર કોમ્‍યુનિકેશન અને મોબાઈલ નેટવર્ક ઠપ્‍પ થઈ ગયું છે, જે ઈઝરાયલના સાયબર અને ટેકનિકલ હુમલાની તાકાત દર્શાવે છે. તેહરાનની ગલીઓમાં અત્‍યારે ગભરાટનો માહોલ છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં આકાશમાં મિસાઈલોનો પ્રકાશ અને જમીન પર ભીષણ આગના દ્રશ્‍યો જોઈ શકાય છે. ઈરાની સરકારે દેશભરમાં શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓ બંધ કરી દીધી છે અને નાગરિકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપ્‍યો છે. ઈરાની સત્તાવાળાઓએ આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્‍યો છે અને દાવો કર્યો છે કે તેમનો મિસાઈલ કાર્યક્રમ રક્ષણાત્‍મક છે, જેની પર તેઓ કોઈ પણ સંજોગોમાં બાંધછોડ કરશે નહીં.

વર્તમાન સ્‍થિતિ જોતા એવું લાગે છે કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનને ચારે બાજુથી ઘેરી લીધું છે. શુક્રવારે અમેરિકાએ પોતાના નાગરિકોને ઈઝરાયલ છોડવાની આપેલી સૂચના એ આ મોટા હુમલાનો પૂર્વ સંકેત હતો. ઈરાનની ત્રણેય પાંખની સેના હવે વળતા પ્રહાર માટે સજ્જ થઈ રહી છે, જેનાથી ખાડી દેશોમાં મહાયુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલનો પુરવઠો રોકવાનો પ્રયાસ કરશે અથવા ઈઝરાયલ પર પલટવાર કરશે, તો વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થા પર તેની ગંભીર અસરો પડશે. હાલ તો સમગ્ર વિશ્વની નજર વ્‍હાઈટ હાઉસના આગામી કદમ પર ટકેલી છે. 

(3:50 PM IST)