હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'શર્ટલેસ' આંદોલન પર કોર્ટની મહોર: ઉદયભાનુ ચિબને મળી મોટી રાહત: દિલ્હી પોલીસની સાત દિવસની રિમાન્ડની માંગ પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી!
ભારત મંડપમ ખાતે AI સમિટમાં વિરોધ પ્રદર્શન બદલ ધરપકડ કરાયેલા યુથ કોંગ્રેસના પ્રમુખની જામીન અરજી મંજૂર : ક્રાઈમ બ્રાન્ચની ઉતાવળી કાર્યવાહી અને મોડી રાત્રે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની વ્યૂહરચના નિષ્ફળ રહી

નવી દિલ્હી: દિલ્હીનું રાજકીય તાપમાન ત્યારે ગરમાયું જ્યારે પટિયાલા હાઉસ કોર્ટે ઈન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદયભાનુ ચિબની જામીન અરજી સ્વીકારી લીધી. ભારત મંડપમમાં યોજાયેલી હાઈ-પ્રોફાઈલ 'AI ઈમ્પેક્ટ સમિટ' દરમિયાન શર્ટ ઉતારીને અનોખો વિરોધ પ્રદર્શન કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેમને આ આખા 'શર્ટલેસ' આંદોલનના મુખ્ય માસ્ટરમાઇન્ડ ગણાવ્યા હતા અને તપાસના બહાને વધુ સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે પોલીસની દલીલોને ફગાવી દઈને ચિબને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા બાદ જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં કાનૂની દાવપેચ પણ જોવા મળ્યા હતા. ઉદયભાનુ ચિબના વકીલ સુલેમાન મોહમ્મદ ખાનના જણાવ્યા મુજબ, પોલીસે જાણી જોઈને વકીલોને અંધારામાં રાખીને ડ્યુટી મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને ઉતાવળમાં રજૂ કરવાની કોશિશ કરી હતી. પોલીસ કસ્ટડીની મુદત પૂરી થતા પોલીસે ફરીથી કસ્ટડી મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ બચાવ પક્ષની દલીલો સામે તેમની એક પણ દલીલ ટકી શકી નહોતી. કોર્ટે જામીન બોન્ડ અને દસ્તાવેજોની ચકાસણીનો આદેશ આપ્યો છે, જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રવિવાર સુધીમાં તેઓ જેલની બહાર આવી જશે તેવી પ્રબળ શક્યતા છે.
રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લોકશાહી ઢબે વિરોધ કરવાના અધિકાર અને પોલીસની કાર્યવાહી વચ્ચેના સંઘર્ષ તરીકે જોવામાં આવી રહી છે. યુથ કોંગ્રેસે આને ભાજપ સરકારની દમનકારી નીતિ ગણાવી છે, જ્યારે પોલીસે આને આંતરરાષ્ટ્રીય સમિટમાં વિક્ષેપ પાડવાનું કાવતરું ગણાવ્યું હતું. ઉદયભાનુ ચિબની મુક્તિના સમાચાર બાદ કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે જેલમાંથી બહાર આવ્યા બાદ ચિબ આ આંદોલનને કઈ દિશામાં લઈ જાય છે અને AI સમિટ સામેના તેમના વિરોધનું આગામી પગલું શું હશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
