હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય આકાશમાં હડકંપ: ઈઝરાયેલનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયાની દિલ્હી-તેલ અવીવ ફ્લાઈટ અધવચ્ચેથી પરત ફરી, મુંબઈ ડાયવર્ટ કરાઈ
ઈરાન-ઈઝરાયેલ જંગની અસર હવાઈ માર્ગો પર: સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકાય તે પહેલા એરલાઈનનો મોટો નિર્ણય, ઈન્ડિગો પણ હાઈ-એલર્ટ પર

મુંબઈ: મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવાઓ પર જોવા મળી રહી છે. ઈરાન પર ઈઝરાયેલના હુમલા બાદ સુરક્ષાના કારણોસર ઈઝરાયેલે પોતાનું હવાઈ ક્ષેત્ર (Airspace) તમામ નાગરિક ઉડ્ડયનો માટે બંધ કરી દીધું છે. આ કટોકટીના સમયે, દિલ્હીથી તેલ અવીવ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI139 ને અધવચ્ચેથી જ ભારત પરત બોલાવી લેવામાં આવી હતી અને તેને સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.
એર ઈન્ડિયાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ઈઝરાયેલનું એરસ્પેસ બંધ થવાને કારણે ઉભી થયેલી અનિશ્ચિત પરિસ્થિતિમાં ફ્લાઈટને ભારત પરત લાવવાનો નિર્ણય લેવાયો છે." આ અચાનક ડાયવર્ઝનને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ એરલાઈન અધિકારીઓએ સ્થિતિ સ્પષ્ટ કરતા તમામને શાંત પાડ્યા હતા. એર ઈન્ડિયા અત્યારે મધ્ય પૂર્વના સુરક્ષા વાતાવરણનું સતત મૂલ્યાંકન કરી રહી છે અને ભવિષ્યની ફ્લાઈટ્સ અંગે સક્રિય નિર્ણય લેશે.
બીજી તરફ, ભારતની સૌથી મોટી ખાનગી એરલાઈન ઈન્ડિગો પણ આ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે. ઈન્ડિગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ પહોંચતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ તપાસી લે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ Flightradar24.com ના અહેવાલ મુજબ, એરસ્પેસ બંધ થવાને કારણે વિશ્વભરની અનેક એરલાઈન્સના રૂટ પ્રભાવિત થયા છે અને વિમાનોએ હજારો કિલોમીટરનો લાંબો ફેરો લેવો પડી રહ્યો છે. યુદ્ધની આ આગ આકાશમાં પણ મુસાફરીને અત્યંત જોખમી બનાવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
