<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

પાકિસ્તાનની ડબલ ગેમ: એકતરફ તાલિબાન સાથે સરહદી જંગ અને બીજી તરફ ઈરાનને સાંત્વના : ઈશાક દારે તેહરાન ફોન કરી અમેરિકી હુમલાને ગણાવ્યો 'અયોગ્ય'!

અફઘાનિસ્તાન સરહદે ૧૫ ચોકીઓ ગુમાવ્યા બાદ ફફડી ઉઠેલું પાકિસ્તાન હવે ઈરાનનો પક્ષ લઈને મુસ્લિમ દેશોમાં પોતાની છબી સુધારવા મથ્યું : અમેરિકા-ઈઝરાયેલના 'ઓપરેશન' સામે ઈશાક દારની રાજદ્વારી શાંતિની અપીલ પાછળ છુપાયેલો છે મોટો ડર

ઈસ્લામાબાદ:  એકબાજુ પાકિસ્તાન પોતાની ઉત્તર-પશ્ચિમ સરહદે તાલિબાનના આક્રમણ સામે ઘૂંટણિયે પડ્યું છે, ત્યારે બીજીબાજુ તેણે ઈરાન-અમેરિકા યુદ્ધમાં ઝંપલાવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક દારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે ટેલિફોનિક વાતચીત કરી તેહરાન પર થયેલા સંયુક્ત હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. પાકિસ્તાને આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને 'અયોગ્ય' ગણાવીને મધ્યપૂર્વમાં શાંતિ જાળવવાની દુહાઈ આપી છે. જોકે, નિષ્ણાતો માને છે કે પાકિસ્તાન પોતે અફઘાનિસ્તાન સાથેના જંગમાં ફસાયેલું હોવાથી તે નથી ઈચ્છતું કે ઈરાન સાથેની તેની સરહદો પર પણ અશાંતિ સર્જાય.

પાકિસ્તાન હાલમાં ઈતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકોએ પાકિસ્તાનની ૧૫ જેટલી સૈન્ય ચોકીઓ પર કબજો જમાવ્યો હોવાનો દાવો કર્યો છે, જેના કારણે ઈસ્લામાબાદમાં ફફડાટ છે. કાબુલ અને કંદહાર પર પાકિસ્તાની હવાઈ હુમલા બાદ તાલિબાને જે રીતે પલટવાર કર્યો છે, તેનાથી પાકિસ્તાનની આંતરિક સુરક્ષાના ધજાગરા ઉડી ગયા છે. આ સ્થિતિમાં, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાએ પાકિસ્તાન માટે 'કોઢમાં પૂરો' જેવી સ્થિતિ સર્જી છે, કારણ કે આ આખા પ્રદેશમાં અસ્થિરતા વધતા તેની આર્થિક અને સૈન્ય સ્થિતિ વધુ કથળી શકે છે.

આ ટેલિફોનિક મંત્રણા પાછળ પાકિસ્તાનનો સ્વાર્થ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એકતરફ અમેરિકા તેનું સાથી હોવાનો ડોળ કરે છે, તો બીજીતરફ ચીન અને ઈરાન સાથેના સંબંધો જાળવવા તેની મજબૂરી છે. ઈશાક દારે અરાઘચીને રાજદ્વારી ઉકેલ લાવવાની સલાહ તો આપી, પરંતુ પાકિસ્તાન પોતે અફઘાનિસ્તાન સાથે વાતચીતના બદલે ગોળીબારનો રસ્તો અપનાવી રહ્યું છે. ઇઝરાયેલ અને અમેરિકાના 'ઓપરેશન એપિક ફ્યુરી' બાદ પાકિસ્તાનથી લઈને ઈઝરાયેલ સુધીના દેશોમાં જે ખળભળાટ મચ્યો છે, તે સૂચવે છે કે હવે આ સંઘર્ષ માત્ર મધ્યપૂર્વ પૂરતો સીમિત નહીં રહે, પણ દક્ષિણ એશિયાના દેશોને પણ પોતાની લપેટમાં લેશે.

(6:53 PM IST)