<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

વિશ્વ શાંતિ પર જોખમ: રાષ્ટ્રપતિ મેક્રોનની ઈરાન-ઈઝરાયલને યુદ્ધ વિરામની આખરી અપીલ: સાઉદી અરેબિયાએ આપી 'ગંભીર પરિણામો'ની ચેતવણી!

મધ્યપૂર્વમાં ઈરાનના મિસાઈલ હુમલા બાદ ફ્રાન્સે સૈન્ય હસ્તક્ષેપના સંકેત આપ્યા; આરબ દેશોના સાર્વભૌમત્વ પરના હુમલાને સાઉદીએ અસહ્ય ગણાવ્યો : જ્યારે રશિયાએ અમેરિકા-ઈઝરાયલના ઓપરેશનને 'બેજવાબદાર' કહીને દુનિયામાં બે ફાંટા પાડ્યા

નવી દિલ્હી:  મધ્યપૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે માત્ર પ્રાદેશિક રહ્યો નથી, પણ તેણે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓને વધુ તેજ બનાવી દીધી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મેદાનમાં આવ્યા છે અને તેમણે ઇઝરાયલ તેમજ ઈરાનને તાત્કાલિક અસરથી બોમ્બમારો બંધ કરવા આહવાન કર્યું છે. મેક્રોને ચેતવણી આપી છે કે આ યુદ્ધ વિશ્વની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે. નોંધપાત્ર બાબત એ છે કે, મેક્રોને માત્ર અપીલ જ નથી કરી, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે જો મધ્યપૂર્વમાં ફ્રાન્સના હિતો કે સાથી દેશો પર આંચ આવશે, તો ફ્રાન્સનું સૈન્ય ચૂપ નહીં બેસે અને જવાબી કાર્યવાહી માટે મેદાનમાં ઉતરશે.

બીજી તરફ, સાઉદી અરેબિયાએ પણ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાન દ્વારા બહેરીન, કતાર, કુવૈત અને યુએઈ જેવા પાડોશી દેશો પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાઓએ સાઉદીને વિચારવા મજબૂર કરી દીધું છે. સાઉદી અરેબિયાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું આ ઉલ્લંઘન સહન કરવામાં નહીં આવે. સાઉદી સરકારે તેના તમામ પાડોશી દેશોને લશ્કરી અને રાજકીય મદદની ખાતરી આપી છે. દરમિયાન, યુએઈની એર ડિફેન્સ સિસ્ટમે ઈરાનથી આવતી વધુ કેટલીક મિસાઈલોને હવામાં જ ફૂંકી મારીને પોતાની સરહદો સુરક્ષિત રાખવાનો દાવો કર્યો છે.

આ મહાયુદ્ધમાં રશિયાની એન્ટ્રીએ સ્થિતિ વધુ જટિલ બનાવી છે. રશિયાએ ઈરાન પરના હુમલાને 'બેજવાબદાર' ગણાવીને ઇઝરાયલ અને અમેરિકાની આકરી ટીકા કરી છે. મોસ્કોએ ભાર મૂક્યો છે કે આ મુદ્દાનો ઉકેલ માત્ર રાજદ્વારી રીતે જ લાવવો જોઈએ અને તે માટે રશિયા સહાય કરવા તૈયાર છે. એક તરફ પશ્ચિમી દેશો ઈઝરાયલ સાથે ઊભા છે, તો બીજી તરફ રશિયા અને તેના સાથીઓ ઈરાનનો પક્ષ લઈ રહ્યા છે. આ ખેંચતાણને કારણે વિશ્વ આર્થિક અને લશ્કરી રીતે બે ભાગમાં વહેંચાઈ ગયું છે, જેની સીધી અસર ભારત સહિત તમામ દેશોના ઈંધણ પુરવઠા અને સુરક્ષા વ્યવસ્થા પર પડી રહી છે.

(7:27 PM IST)