<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

પંજાબની સરકારી શાળાઓમાં હવે ગમ્મત સાથે જ્ઞાન: માન સરકારનો માસ્ટરસ્ટ્રોક ‘ખેલ પિટારા’ , ૧૨,૮૫૬ શાળાઓના ભૂલકાઓ રમકડાંથી ભણશે

નર્સરીથી બીજા ધોરણ સુધીના બાળકો માટે રમત-આધારિત શિક્ષણનો નવો યુગ: શિક્ષણને મનોરંજક બનાવવા ૧૨ હજારથી વધુ પ્રાઈમરી સ્કૂલોને મળશે ખાસ લર્નિંગ કિટ્સ

ચંદીગઢ: પંજાબની ભગવંત માન સરકારે સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણનો ચહેરો બદલવા માટે એક ક્રાંતિકારી પહેલ કરી છે. રાજ્યની ૧૨,૮૫૬ સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે ‘ખેલ પિટારા’  નામની રમત-આધારિત લર્નિંગ કિટ્સ પૂરી પાડવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ ૩ થી ૮ વર્ષની વયના બાળકો માટે શિક્ષણને બોજ બનાવવાને બદલે આનંદદાયક બનાવવાનો છે. સરકારની આ પહેલથી નર્સરીથી લઈને બીજા ધોરણ સુધીના બાળકોના વર્ગખંડો હવે આધુનિક પ્લે-સ્કૂલ જેવા આકર્ષક અને બાળ-કેન્દ્રિત બનશે.

પંજાબ સરકાર દ્વારા આ સ્તરે અમલમાં મૂકવામાં આવેલી આ પ્રકારની આ પ્રથમ પહેલ છે. ‘ખેલ પિટારા’  અંતર્ગત એવી શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવામાં આવી છે જે રમતા-રમતા બાળકોની સમજણ શક્તિમાં વધારો કરે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તમામ શૈક્ષણિક સામગ્રી અને લર્નિંગ કિટ્સ સંપૂર્ણપણે પંજાબી ભાષામાં તૈયાર કરવામાં આવી છે, જેથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોના નાના બાળકો ખૂબ જ સરળતાથી અને પોતાની માતૃભાષામાં પાયાનું જ્ઞાન મેળવી શકે.

આ શૈક્ષણિક પરિવર્તનથી ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓમાં બાળકોનો રસ વધશે અને ડ્રોપ-આઉટ રેશિયો પણ ઘટશે તેવી આશા રાખવામાં આવી રહી છે. પંજાબ શિક્ષણ વિભાગના મતે, આ ‘ખેલ પિટારા’  માત્ર રમકડાંનું બોક્સ નથી, પરંતુ બાળકોના માનસિક વિકાસ અને અર્થપૂર્ણ શિક્ષણ માટેનું એક સબળ માધ્યમ સાબિત થશે. આગામી દિવસોમાં રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં આ કિટ્સનું વિતરણ કરીને નવા શૈક્ષણિક વાતાવરણનો પ્રારંભ કરવામાં આવશે.

 

(8:01 PM IST)