<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

મધ્ય પૂર્વમાં મહાવિનાશક મિસાઈલ વર્ષા: ઈરાને અમેરિકાના 8 દેશોમાં આવેલા સૈન્ય મથકો પર 'મોતનો વરસાદ' કર્યો, બહેરીનથી કતાર સુધી સર્જાઈ ભયાનક તબાહી

ટ્રમ્પના હુમલા બાદ ઈરાનનો પ્રચંડ પલટવાર: યુએસ નેવીના પાંચમા ફ્લીટ હેડક્વાર્ટર પર મિસાઈલ ત્રાટકી, આખું મિડલ ઈસ્ટ યુદ્ધના સાયરનથી ગુંજી ઉઠ્યું

નવી દિલ્હી: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) અત્યારે વિશ્વના સૌથી ભયાનક રણમેદાનમાં ફેરવાઈ ગયું છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના નિવાસસ્થાન પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઈરાને 'પ્રલય' જેવો વળતો પ્રહાર કર્યો છે. શનિવારે બપોરે ઈરાને એકસાથે બહેરીન, કતાર, યુએઈ (UAE), સાઉદી અરેબિયા, ઈઝરાયેલ, કુવૈત અને દુબઈ સહિતના આઠ દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર બેલેસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. આ હુમલામાં અમેરિકાના અત્યંત સુરક્ષિત ગણાતા બહેરીન સ્થિત પાંચમા ફ્લીટ (5th Fleet) હેડક્વાર્ટરને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે.
     યુદ્ધના આ ભડકામાં દુબઈ અને અબુ ધાબી જેવા ગ્લેમરસ શહેરો પણ થથરી ઉઠ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મિસાઈલ હુમલા બાદ આ શહેરોમાં જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેમણે ડ્રોન અને મિસાઈલોનું પ્રથમ મોજું છોડી દીધું છે, જે સીધું અમેરિકી સૈન્ય શક્તિને નિશાન બનાવી રહ્યું છે. આ દરમિયાન યમનના હુથી બળવાખોરોએ પણ લાલ સમુદ્રમાં ઈઝરાયેલ વિરુદ્ધ ફરીથી જંગ છેડવાની જાહેરાત કરતા સ્થિતિ વધુ વણસી છે.
    અગાઉ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો સંદેશ દ્વારા ઈરાની સરકારને ઉખેડી ફેંકવાની અપીલ કરી હતી અને ઈરાન પર પરમાણુ સોદા માટે દબાણ લાવવા ભારે સૈન્ય કાફલો તૈનાત કર્યો હતો. ટ્રમ્પે ઈરાની જનતાને આશ્રય લેવા કહ્યું હતું, પરંતુ ઈરાને નમવાને બદલે યુદ્ધનો માર્ગ પસંદ કર્યો છે. આ મહાયુદ્ધની અસર હવે ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડવાની છે, જેમાં એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી એરલાઈન્સે સુરક્ષાના કારણોસર ખાડી દેશોની તમામ ઉડ્ડયન સેવાઓ અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ કરી દીધી છે. સમગ્ર મધ્ય પૂર્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે આવીને ઉભું હોય તેવું જણાઈ રહ્યું છે

(8:29 PM IST)