હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
EVM કે બેલેટ પેપર? ઝારખંડમાં બેલેટથી ચૂંટણી છતાં 'ઈન્ડિયા' ગઠબંધનનો ધબડકો, હવે કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકાર ધર્મસંકટમાં
ઝારખંડની સ્થાનિક ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન છતાં ભાજપ સમર્થિત ઉમેદવારોનો દબદબો: શું કોંગ્રેસ હવે કર્ણાટકમાં પંચાયત ચૂંટણી માટે પોતાનો નિર્ણય બદલશે?

બેંગલુરુ :દેશભરમાં છેલ્લા ઘણા સમયથી EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) વિરુદ્ધ બેલેટ પેપરની ચર્ચાએ જોર પકડ્યું છે. રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓ સતત EVM પર સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યારે ઝારખંડની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ આ ચર્ચાને એક નવો અને ચોંકાવનારો વળાંક આપ્યો છે. ઝારખંડમાં આ ચૂંટણીઓ બેલેટ પેપર (મતપત્ર) દ્વારા યોજાઈ હતી, તેમ છતાં 'ઈન્ડિયા' ગઠબંધન અને ખાસ કરીને કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ પરિણામોએ વિપક્ષના એ દાવાને નબળો પાડ્યો છે કે તેમની હારનું મુખ્ય કારણ માત્ર EVM છે.
ઝારખંડ મ્યુનિસિપલ ચૂંટણીમાં કુલ 48 બેઠકોમાંથી ભાજપ સમર્થિત ઉમેદવારોએ 12 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે જેએમએમ (JMM) સમર્થિત ઉમેદવારોને 6 અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોને માત્ર 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. બેલેટ પેપરથી થયેલા મતદાનમાં પણ કોંગ્રેસ રેસમાં ક્યાંય દેખાઈ નથી. આ પરિણામોની સીધી અસર હવે કર્ણાટકની રાજનીતિ પર જોવા મળી રહી છે, જ્યાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની સરકારે આગામી પંચાયત ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવાનો મોટો નિર્ણય લીધો હતો.
કર્ણાટકના ગ્રામીણ વિકાસ મંત્રી પ્રિયંક ખડગેએ 'કર્ણાટક ગ્રામ સ્વરાજ બિલ, 2026' દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે બેલેટ બોક્સના ઉપયોગની હિમાયત કરી હતી. જોકે, હવે ઝારખંડના પરિણામો બાદ કર્ણાટક કોંગ્રેસની અંદર જ આંતરિક વિરોધ શરૂ થયો છે. પક્ષના કેટલાક નેતાઓ માને છે કે બેલેટ પેપર પદ્ધતિ અપનાવવાથી મતગણતરીમાં વિલંબ અને હેરાફેરી જેવી જૂની સમસ્યાઓ ફરી ઉભી થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે શું સિદ્ધારમૈયા સરકાર ઝારખંડના 'લેસન' માંથી શીખીને પોતાનો નિર્ણય પાછો ખેંચશે કે પછી પારદર્શિતાના નામે જોખમ ઉઠાવશે. આ રાજકીય ખેંચતાણે આગામી પંચાયત ચૂંટણીઓને રસપ્રદ બનાવી દીધી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
