<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર તમારા ખિસ્સા પર: ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા થશે?

હોર્મુઝની સામુદ્રધુનીમાં યુદ્ધના વાદળો ઘેરાતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં: બ્રેન્ટ ક્રૂડ $80 ને પાર જવાની ભીતિ, ભારતની ઉર્જા સુરક્ષા સામે મોટો પડકાર

નવી દિલ્હી:મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભીષણ લશ્કરી સંઘર્ષની અસર હવે માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેની ગંભીર અસર તમારા વાહનની ટાંકી ભરવાના બિલ પર પણ પડવાની પૂરેપૂરી શક્યતા છે. અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન પરના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 'યુદ્ધ પ્રીમિયમ' ઉમેરાઈ ગયું છે. શુક્રવારે બજાર બંધ થવા સુધીમાં બ્રેન્ટ ક્રૂડ ૨% વધીને પ્રતિ બેરલ $૭૨.૪૮ પર પહોંચી ગયું છે, જે આગામી દિવસોમાં $૮૦ ના આંકને પણ વટાવી શકે છે.
  યુદ્ધના કારણે સૌથી મોટું જોખમ 'હોર્મુઝની સામુદ્રધુની'  પર તોળાઈ રહ્યું છે. આ એ દરિયાઈ માર્ગ છે જ્યાંથી વિશ્વના તેલ પુરવઠાનો ૨૦% હિસ્સો પસાર થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાની નૌકાદળને નિશાન બનાવવાની ચેતવણી બાદ જો આ માર્ગ બ્લોક થાય છે, તો વૈશ્વિક સ્તરે તેલની ભારે અછત સર્જાઈ શકે છે. ભારત પોતાની જરૂરિયાતનું ૮૫% ક્રૂડ ઓઈલ આયાત કરતું હોવાથી, આંતરરાષ્ટ્રીય ભાવમાં થતો નાનકડો વધારો પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો લાવી શકે છે.
   જોકે, ભારતે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 'પ્લાન-બી' તૈયાર રાખ્યો છે. ભારતે પાદુર, વિશાખાપટ્ટનમ અને મેંગલોરમાં લાખો ટન તેલનો વ્યૂહાત્મક ભંડાર જમા કરી રાખ્યો છે. આ ઉપરાંત, ઈન્ડિયન ઓઈલ અને ભારત પેટ્રોલિયમ જેવી કંપનીઓ પાસે પણ અનેક અઠવાડિયાનો સ્ટોક ઉપલબ્ધ છે. ભારતે પોતાની આયાત માત્ર ખાડી દેશો પર નિર્ભર રાખવાને બદલે અમેરિકા અને આફ્રિકા તરફ વૈવિધ્યસભર બનાવી છે. તેમ છતાં, જો યુદ્ધ લાંબુ ખેંચાય તો મોંઘવારીનો આંચકો ભારતીય ગ્રાહકોએ સહન કરવો પડી શકે છે

(8:49 PM IST)