હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પનો ક્યુબા પર 'ડોળો': અમેરિકી રાષ્ટ્રપતિએ 'ફ્રેન્ડલી ટેકઓવર'નો રાગ આલાપ્યો, ફિડેલ કાસ્ટ્રોના ગઢમાં હવે અમેરિકાનું શાસન આવશે?
માર્કો રુબિયોને સોંપાઈ મોટી જવાબદારી: આર્થિક સંકટમાં ફસાયેલું ક્યુબા વાતચીત માટે તૈયાર હોવાનો ટ્રમ્પનો દાવો, વ્હાઇટ હાઉસના નિવેદનથી વિશ્વભરમાં ખળભળાટ

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની વિદેશ નીતિથી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે અમેરિકા પડોશી ટાપુ દેશ ક્યુબાનું 'મૈત્રીપૂર્ણ ટેકઓવર' (Friendly Takeover) કરી શકે છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે ક્યુબાની સરકાર અત્યારે ગંભીર આર્થિક મુશ્કેલીમાં છે અને તેઓ પોતે અમેરિકા સાથે આ મુદ્દે સંપર્ક કરી રહ્યા છે.
ટ્રમ્પે ટેક્સાસની મુલાકાતે જતા પહેલા પત્રકારોને જણાવ્યું હતું કે, "ક્યુબાની સરકાર મોટી આફતમાં છે, તેમની પાસે અત્યારે પૈસા કે સંસાધનો કંઈ જ નથી. તેઓ અમારી સાથે વાતચીત કરી રહ્યા છે અને કદાચ ખૂબ જ જલ્દી આપણે ક્યુબાનું મૈત્રીપૂર્ણ ટેકઓવર જોઈ શકીએ છીએ." ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો આ સમગ્ર મામલાને "ખૂબ જ ઉચ્ચ સ્તરે" હેન્ડલ કરી રહ્યા છે.
ઐતિહાસિક દુશ્મનીનો અંત કે નવો વિવાદ?
ઉલ્લેખનીય છે કે દાયકાઓથી અમેરિકા અને ક્યુબા વચ્ચેના સંબંધોમાં કડવાશ રહેલી છે. શીત યુદ્ધના સમયથી ક્યુબા પર અમેરિકાએ અનેક આર્થિક પ્રતિબંધો લાદેલા છે. જો ટ્રમ્પનો આ દાવો સાચો પડે, તો તે દાયકાઓ જૂની ભૌગોલિક રાજકીય સ્થિતિને બદલી નાખશે. જોકે, ટ્રમ્પના આ 'મૈત્રીપૂર્ણ ટેકઓવર' શબ્દનો અર્થ શું છે - શું તે આર્થિક મદદના બદલે વહીવટી નિયંત્રણ છે કે પછી કોઈ અન્ય સમજૂતી - તે અંગે હજુ અસ્પષ્ટતા છે.
આ સમાચાર બાદ વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચાઓ છેડાઈ છે. રશિયા અને ચીન જેવા દેશો, જેમના ક્યુબા સાથે ગાઢ સંબંધો છે, તેઓ આ હિલચાલને કેવી રીતે જુએ છે તેના પર નિષ્ણાતોની નજર છે. શું ક્યુબા ખરેખર અમેરિકાના શરણે જશે કે પછી આ ટ્રમ્પની કોઈ નવી વ્યૂહાત્મક રમત છે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
