હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેપાળમાં સત્તાના સંગ્રામનું કાઉન્ટડાઉન: ૫ માર્ચે મતદાન પહેલા દિગ્ગજોના પ્રચંડ પ્રચારથી હિમાલયની તળેટી ગુંજી ઉઠી, 'જનરેશન-Z' ના યુવા ચહેરાઓ આપશે મજબૂત ટક્કર
કે.પી. શર્મા ઓલી અને પ્રચંડ જેવા જૂના જોગીઓ સામે બાલેન્દ્ર શાહ અને રબી લામિછાનેની યુવા સેના મેદાનમાં: રોડ શો અને ડોર-ટુ-ડોર કેમ્પેઈનથી નેપાળી રાજકારણમાં ગરમાવો

કાઠમંડુ : પડોશી દેશ નેપાળમાં લોકશાહીનો મહાકુંભ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. ૫ માર્ચે યોજાનારી નિર્ણાયક ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. આ વખતે નેપાળની ચૂંટણીમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે, જ્યાં પરંપરાગત અનુભવી નેતાઓ અને 'જનરેશન-Z' (Gen-Z) ચળવળમાંથી ઉભરેલા યુવા ચહેરાઓ સામસામે છે. રાજકીય પક્ષો હવે માત્ર જૂની પદ્ધતિઓ જ નહીં, પણ સોશિયલ મીડિયા અને યુવા-લક્ષી નવા અભિગમ સાથે મતદારોને રિઝવી રહ્યા છે.
ઝાપા-૫ પર આખા દેશની નજર: પેઢીગત વારસો વિરુદ્ધ યુવા મહત્વાકાંક્ષા
ચૂંટણીમાં સૌથી રોમાંચક જંગ ઝાપા-૫ બેઠક પર જોવા મળી રહ્યો છે. અહીં નેપાળના પૂર્વ વડાપ્રધાન અને CPN-UML ના કદાવર નેતા કે.પી. શર્મા ઓલી ચૂંટણી લડી રહ્યા છે, જેમની સામે કાઠમંડુના પૂર્વ મેયર અને યુવાનોના લોકપ્રિય નેતા બાલેન્દ્ર શાહે પડકાર ફેંક્યો છે. આ લડાઈ માત્ર બે ઉમેદવારો વચ્ચે નથી, પરંતુ નેપાળના સ્થાપિત રાજકીય વારસા અને બદલાવ ઈચ્છતા યુવા વર્ગ વચ્ચેનો સીધો સંઘર્ષ છે. બીજી તરફ, રબી લામિછાને ચિતવાન-૨ ને પોતાનો ગઢ માનીને ફરી મેદાનમાં છે.
ભૂતપૂર્વ વડાપ્રધાનો અને દિગ્ગજોના દાવ પર પ્રતિષ્ઠા
નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીના વડા પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' રુકુમ પૂર્વથી ચૂંટણી લડી રહ્યા છે, તો નેપાળી કોંગ્રેસના ગગન થાપા સરલાહી-૪ થી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ ચૂંટણીમાં વચગાળાની સરકારના ચાર મંત્રીઓએ પણ ચૂંટણી લડવા માટે રાજીનામું આપી દીધું છે, જેમાં કુલમાન ઘીસિંગ અને મહાબીર પુન જેવા જાણીતા નામો સામેલ છે. મધેશ પ્રદેશમાં ઉપેન્દ્ર યાદવ અને ડૉ. સી.કે. રાઉત વચ્ચેની સ્પર્ધાએ પણ વાતાવરણ ગરમ કર્યું છે.
નેપાળમાં તાજેતરમાં થયેલી 'Gen-Z' ચળવળ બાદ આ પ્રથમ મોટી ચૂંટણી છે. યુવાનો હવે દેશના નેતૃત્વમાં પરિવર્તન ઈચ્છે છે, જેનો પ્રભાવ હરકા સાંપાંગ અને સુધન ગુરુંગ જેવા ઉમેદવારોની લોકપ્રિયતામાં સ્પષ્ટ દેખાય છે. ૫ માર્ચે મતદારો નક્કી કરશે કે તેઓ અનુભવી હાથોમાં દેશ સોંપવા માંગે છે કે પછી નવા લોહીને તક આપવા માંગે છે. હિમાલયના ખોળે રમાઈ રહેલા આ ખેલનું પરિણામ સમગ્ર દક્ષિણ એશિયાના રાજકારણ માટે મહત્વનું સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
