<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

પંજાબમાં લોહીની હોળી ખેલવાનું આતંકી કાવતરું નિષ્ફળ: પંજાબ પોલીસે RDX ભરેલા IED, અત્યાધુનિક હથિયારો અને કરોડોના ડ્રગ્સ સાથે ૧૪ શખ્સોને દબોચ્યા

મોહાલી અને અમૃતસરમાં મેગા ઓપરેશન: સરહદ પારથી આવેલા મોતના સામાનનો પર્દાફાશ, શહેરી યુવાનોને બરબાદ કરવા મંગાવેલી MDMA ગોળીઓ અને હેરોઈનનો જંગી જથ્થો જપ્ત

ચંદીગઢ: પંજાબમાં શાંતિ ડહોળવાના નાપાક ઈરાદાઓ પર પોલીસે પાણી ફેરવી દીધું છે. પંજાબ પોલીસે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાથ ધરેલા મોટા સર્ચ ઓપરેશન દરમિયાન RDX ભરેલા ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED), પિસ્તોલ અને કેફી દ્રવ્યોના અત્યાર સુધીના સૌથી મોટા જથ્થાને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં વિદેશી આતંકવાદી મોડ્યુલ અને ડ્રગ કાર્ટેલ સાથે સંકળાયેલા ૧૪ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

વિગતો આપતા પોલીસ મહાનિર્દેશક (DGP) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (SSOC) મોહાલીએ વિદેશમાં બેઠેલા આતંકીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે એક સંપૂર્ણ એસેમ્બલ કરેલું રિમોટ-કંટ્રોલ્ડ RDX ભરેલું IED જપ્ત કર્યું છે. જો આ બોમ્બનો ઉપયોગ થયો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. આ સાથે ૪ અત્યાધુનિક પિસ્તોલ અને જીવંત કારતૂસ પણ મળી આવ્યા છે.

યુવાનોને ટાર્ગેટ કરતું ડ્રગ્સ નેટવર્ક બરબાદ:

બીજી તરફ, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ડ્રગ માફિયાઓ પર કમરતોડ પ્રહાર કર્યો છે. ચંદીગઢ, પંચકુલા અને મોહાલી જેવા શહેરોના યુવાનોને નિશાન બનાવવા માટે લાવવામાં આવેલી ૧,૨૧૫ MDMA (એક્સ્ટસી) ગોળીઓ, ૫.૫૦ કિલો હેરોઈન, કોકેન અને 'મેજિક મશરૂમ' જેવા મોંઘા નશાનો જથ્થો ઝડપાયો છે. આ સાથે ૯ લાખ રૂપિયાની 'ડ્રગ મની' પણ જપ્ત કરવામાં આવી છે.

અમૃતસર કમિશનરેટ પોલીસે પણ સરહદ પારથી થતી હથિયારોની હેરાફેરીના બે મોટા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા ૧૦ શખ્સો પાસેથી ૩ અત્યાધુનિક પિસ્તોલ અને ૫.૩૦ કિલો હેરોઈન મળી આવ્યું છે. પોલીસે આ મામલે અનેક FIR નોંધી છે અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ તેજ કરી છે. પંજાબ પોલીસની આ સતર્કતાને કારણે રાજ્યમાં આવનારી મોટી આફત ટળી ગઈ છે.

 

(10:40 PM IST)