હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બોલિવિયામાં 'આભમાંથી રુપિયા વરસ્યા': લશ્કરી વિમાન વ્યસ્ત રોડ પર ક્રેશ થતા ચલણી નોટોનો વરસાદ, જીવના જોખમે લોકોમાં પૈસા લૂંટવાની મચી હોડ!
નવી નોટો લઈને જતું હર્ક્યુલસ વિમાન અલ અલ્ટોના હાઈવે પર તૂટી પડ્યું: ખરાબ હવામાનને કારણે સર્જાયો ભીષણ અકસ્માત, અનેક વાહનો કચડાયા અને એરપોર્ટ કરાયું બંધ

લા પાઝ : દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયાની રાજધાની લા પાઝ નજીક શુક્રવારે સાંજે એક કંપારી છૂટી જાય તેવી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. બોલિવિયન એરફોર્સનું એક વિશાળ 'હર્ક્યુલસ' વિમાન ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણે અલ અલ્ટો શહેરના એક અત્યંત વ્યસ્ત એવન્યુ (મુખ્ય માર્ગ) પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનના પરખચ્ચા ઉડી ગયા હતા, પરંતુ સૌથી વધુ ચોંકાવનારા દ્રશ્યો અકસ્માત બાદ જોવા મળ્યા હતા.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ લશ્કરી વિમાન દેશના આંતરિક ભાગોમાં વિતરણ કરવા માટે બેંકની 'નવી ચલણી નોટો'નો મોટો જથ્થો લઈને જઈ રહ્યું હતું. વિમાન જેવું જમીન પર પટકાયું કે તરત જ તેમાં રહેલી લાખોની રોકડ હવામાં ઉડવા લાગી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, અકસ્માતની ભયાનકતા જોવાને બદલે સેંકડો લોકો સળગતા કાટમાળ વચ્ચે જમીન પર વેરાયેલી નોટો વીણવા માટે પડાપડી કરી રહ્યા હતા. સ્થાનિક અધિકારીઓ લોકોને બચાવવા અને ભીડને કાબૂમાં લેવા માટે વોટર કેનનનો ઉપયોગ કરી રહ્યા છે.
એરપોર્ટ બંધ, તપાસના આદેશ:
આ ભીષણ ક્રેશમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા અનેક વાહનો પણ વિમાનની અડફેટે આવી ગયા હતા, જેના કારણે ભારે નુકસાન થયું છે. આ દુર્ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે અલ અલ્ટો ઇન્ટરનેશનલ એરપોર્ટને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. બોલિવિયાની સેન્ટ્રલ બેંક અને વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ આ મામલે પત્રકાર પરિષદ યોજવાના છે.
હજુ સુધી આ અકસ્માતમાં કેટલી જાનહાનિ થઈ છે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ વિમાનના પાયલોટ અને ક્રૂ મેમ્બર્સની હાલત ગંભીર હોવાનું મનાય છે. બોલિવિયાની રાષ્ટ્રીય એરલાઇને સ્પષ્ટતા કરી છે કે આ વિમાન તેમના કાફલાનું નથી પણ વાયુસેનાનું લશ્કરી માલવાહક વિમાન છે. આ ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, જ્યાં એક તરફ માનવીય દુર્ઘટના બની છે અને બીજી તરફ લોકોની 'પૈસા લૂંટવાની' લાલચ સામે આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
