હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતની આર્થિક લાઈફલાઈન પર યુદ્ધનું ગ્રહણ: ઈરાન-ઈઝરાયેલ જંગમાં ₹4.33 લાખ કરોડનો વેપાર દાવ પર: હોર્મુઝની નાકાબંધીથી 'નવી દિલ્હી' ફફડ્યું!
પશ્ચિમ એશિયામાં મિસાઈલ મારો શરૂ થતા જ ભારતના નિકાસકારોના શ્વાસ અધ્ધર : યુએઈ અને સાઉદી અરેબિયા જેવા મિત્ર દેશોમાં જતો 13% બિન-તેલ માલ અટવાઈ જવાની ભીતિ

નવી દિલ્હી: ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાના તાજેતરના હુમલાઓએ માત્ર તેહરાનની ધરતી જ નથી ધ્રુજાવી, પરંતુ ભારતની અર્થવ્યવસ્થામાં પણ ભૂકંપ લાવી દીધો છે. ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલો સાંકડો દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' ભારત માટે વેપારની ગરદન સમાન છે. આ માર્ગ દ્વારા ભારત દર વર્ષે અંદાજે 47.6 અબજ ડોલર (આશરે ₹4.33 લાખ કરોડ) ના મૂલ્યનો બિન-તેલ સામાન ગલ્ફ દેશોમાં મોકલે છે. જો યુદ્ધને કારણે આ રસ્તો બંધ થાય કે જોખમી બને, તો ભારતની કુલ બિન-તેલ નિકાસના 13% હિસ્સા પર સીધી કાતર ફરી શકે તેમ છે. શિપિંગ રૂટ બદલાતા નૂર ખર્ચમાં થતો વધારો ભારતીય વસ્તુઓને વૈશ્વિક બજારમાં મોંઘી બનાવી દેશે.
ભારત માટે સૌથી મોટી ચિંતા તેના સૌથી મોટા વેપારી ભાગીદાર યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ને લઈને છે, જ્યાં 28.5 અબજ ડોલરનો માલ જાય છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા, ઈરાક અને કુવૈત જેવા દેશો સાથેનો વેપાર પણ સંપૂર્ણપણે દરિયાઈ લોજિસ્ટિક્સ પર નિર્ભર છે. અત્યાર સુધી ચર્ચા માત્ર ક્રૂડ ઓઈલ અને મોંઘા પેટ્રોલ-ડીઝલની થતી હતી, પરંતુ હવે ખરો ખતરો એન્જિનિયરિંગ ગુડ્સ, રત્નો-દાગીના, રાસાયણિક પદાર્થો અને ખાદ્ય સામગ્રી પર તોળાઈ રહ્યો છે. જો યુદ્ધ લાંબુ ખેંચાય, તો સુરતના હીરા ઉદ્યોગથી લઈને પંજાબના બાસમતી ચોખાના નિકાસકારો સુધીના તમામ ક્ષેત્રોમાં બેરોજગારી અને આર્થિક મંદીનો માહોલ સર્જાઈ શકે છે.
વૈશ્વિક સ્તરે હોર્મુઝ સ્ટ્રેટને વિશ્વનો સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ કોરિડોર માનવામાં આવે છે. દરરોજ લાખો બેરલ તેલ અને હજારો કન્ટેનર અહીંથી પસાર થાય છે. પશ્ચિમ એશિયામાં વધતી જતી આ અસ્થિરતાને કારણે ભારત સરકાર હવે વૈકલ્પિક વેપાર માર્ગો અને 'બેકઅપ પ્લાન' પર વિચાર કરી રહી છે. જોકે, હોર્મુઝનો કોઈ સરળ વિકલ્પ નથી. વાણિજ્ય મંત્રાલયના નિષ્ણાતો માને છે કે જો તણાવ વધુ વધશે તો ભારતની આર્થિક રિકવરી ધીમી પડી જશે અને સામાન્ય જનતા પર મોંઘવારીનો ડબલ માર પડશે. હવે ભારતની નજર આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી પર છે કે કેવી રીતે આ માર્ગને સુરક્ષિત રાખી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
