<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

આંધ્રપ્રદેશમાં મરણચીસો: કાકીનાડાની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ, ૧૮ નિર્દોષ શ્રમિકોના કરૂણ મોત

ધડાકો એટલો શક્તિશાળી હતો કે ખેતરોમાં લાશોના લોચા વિખરાયા: ૧૦૦ ટકા દાઝી ગયેલા અનેક લોકો જીવન-મરણ વચ્ચે જોલા ખાય છે, સીએમ ચંદ્રબાબુ નાયડુએ વ્યક્ત કર્યો શોક

કાકીનાડા: આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં આજે સાંજે કાળઝાળ દ્રશ્યો સર્જાયા હતા. પેદ્દાપુરમ વિસ્તારના વેતલાપાલેમ ગામમાં આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં અચાનક થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોએ સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો હતો. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૮ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જવાથી હોસ્પિટલમાં દાખલ છે. વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે ફેક્ટરીના કટકા થઈ ગયા હતા અને મૃતદેહો ઉછળીને નજીકના ખેતરોમાં જઈ પડ્યા હતા.

    સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ફટાકડાના જથ્થામાં લાગેલી આગ જોતજોતામાં આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. ફેક્ટરીની અંદર લગભગ ૩૦ થી ૩૫ કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે જ જોરદાર ધડાકા થવા લાગ્યા હતા. આગની જ્વાળાઓ એટલી ઊંચી ઉઠી હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. ગ્રામજનો કંઈ સમજે એ પહેલા જ ફેક્ટરી કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી અને ચારેબાજુ લોહીલુહાણ હાલતમાં શ્રમિકોની ચીસો સંભળાઈ રહી હતી.
  કાકીનાડા સરકારી હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું કે, હોસ્પિટલમાં લાવવામાં આવેલા સાત દર્દીઓ ૯૦ થી ૧૦૦ ટકા જેટલા દાઝી ગયા છે, જેમને બચાવવા માટે તબીબો સખત મહેનત કરી રહ્યા છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
 પોલીસ અને ફોરેન્સિક ટીમો હાલમાં ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરી રહી છે. પ્રાથમિક તપાસમાં વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે શું ફેક્ટરી સંચાલકોએ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું કે કેમ. શું ત્યાં ક્ષમતા કરતા વધુ દારૂગોળો સંગ્રહિત હતો? શું આગ ઓલવવાના પૂરતા સાધનો હતા? આ તમામ પ્રશ્નોના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે. હાલમાં આખું ગામ આ કરૂણાંતિકાથી સ્તબ્ધ છે

(11:53 PM IST)