હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અખાતી દેશોમાં યુદ્ધની જ્વાળા: ઈરાની બેલિસ્ટિક મિસાઈલોએ અબુ ધાબીને ધ્રુજાવ્યું, યુએઈની ખુલ્લી ચેતવણી- "અમે ચૂપ નહીં બેસીએ, ભયાનક બદલો લઈશું"
રહેણાંક વિસ્તારમાં મિસાઈલનો કાટમાળ પડતા એક એશિયન નાગરિકનું મોત: આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન બદલ સંયુક્ત આરબ અમીરાત લાલઘૂમ, મધ્ય પૂર્વમાં સીધા સૈન્ય સંઘર્ષના ભણકારા

અબુ ધાબી:મધ્ય પૂર્વમાં શાંતિના પ્રયાસો વચ્ચે અચાનક મોટો ભડકો થયો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દેશની રાજધાની અબુ ધાબીને ઈરાની બેલિસ્ટિક મિસાઈલો દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. જોકે યુએઈની અત્યાધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીએ મોટાભાગની મિસાઈલોને હવામાં જ ફૂંકી મારી હતી, પરંતુ મિસાઈલનો કાટમાળ એક રહેણાંક વિસ્તારમાં પડતા ભારે અરાજકતા સર્જાઈ હતી. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં એક એશિયન મૂળના વ્યક્તિનું મોત થયું છે અને અનેક મિલકતોને નુકસાન પહોંચ્યું છે.
યુએઈ સરકારે આ હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવીને આકરી નિંદા કરી છે. સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નિર્દોષ નાગરિકો અને રાષ્ટ્રીય સંપત્તિ પરના આવા હુમલા આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવતાનું ખુલ્લું ઉલ્લંઘન છે. અબુ ધાબીમાં મિસાઈલ ત્રાટકવાના અવાજ અને ધુમાડાના ગોટેગોટા જોઈને સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારે આ ઘટનાને દેશની સાર્વભૌમત્વ પરનો સીધો હુમલો ગણાવ્યો છે.
આ હુમલા બાદ યુએઈનો મિજાજ અત્યંત આક્રમક દેખાઈ રહ્યો છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "યુએઈ પોતાના દેશ અને નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે. અમે હવે આ મુદ્દે ચૂપ બેસીશું નહીં અને આ હુમલાનો જડબાતોડ બદલો લેવામાં આવશે." યુએઈની સેના અને સંરક્ષણ પ્રણાલીઓને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે અને સરહદો પર દેખરેખ વધારી દેવાઈ છે.
ઈરાન અને યુએઈ વચ્ચેના આ સીધા સંઘર્ષે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. અખાતી દેશોમાં જો યુદ્ધની સ્થિતિ સર્જાય તો તેની સીધી અસર વૈશ્વિક તેલના ભાવ અને અર્થતંત્ર પર પડી શકે છે. નિષ્ણાતો માને છે કે જો યુએઈ વળતો પ્રહાર કરશે, તો આ સંઘર્ષ આખા મધ્ય પૂર્વને પોતાની ઝપેટમાં લઈ શકે છે. હાલમાં અબુ ધાબીની ગલીઓમાં સન્નાટો છે અને દુનિયાની નજર હવે યુએઈના આગામી કદમ પર ટકેલી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
