હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન પર ઈઝરાયેલ-અમેરિકાના 'ઓપરેશન રોરિંગ લાયન'થી હાહાકાર: IDFએ જાહેર કર્યો વિનાશક હુમલાનો વીડિયો, તેહરાન લાલઘૂમ- "દુશ્મનોને એવો પાઠ ભણાવીશું જે પેઢીઓ સુધી યાદ રહેશે"
૨૪ વિદ્યાર્થિનીઓના મોતથી ઈરાનમાં માતમ અને રોષ: નેતન્યાહુ અને ટ્રમ્પનું આ ગેરકાયદેસર યુદ્ધ છે - વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનો વળતો પ્રહાર, દેશભરમાં હાઈ એલર્ટ અને શાળાઓ બંધ

તેહરાન: મધ્ય પૂર્વના રણમેદાનમાં અત્યારે બારૂદની ગંધ પ્રસરી ગઈ છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ ઈરાન પર કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા અને ઘાતક હવાઈ હુમલાનો વીડિયો જાહેર કરીને સનસનાટી મચાવી દીધી છે. 'ઓપરેશન રોરિંગ લાયન' (Operation Roaring Lion) હેઠળ ઈઝરાયેલ અને અમેરિકાના ફાઈટર જેટ્સે પશ્ચિમ ઈરાનમાં સેંકડો લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ ઈરાને પ્રથમવાર સત્તાવાર નિવેદન જારી કરીને અમેરિકા અને ઈઝરાયેલને વિનાશક વળતા હુમલાની ચેતવણી આપી છે.
આ ભીષણ સંઘર્ષમાં માનવીય પાસું અત્યંત હૃદયદ્રાવક રહ્યું છે. ઈરાની શહેર મીનાબમાં એક પ્રાથમિક શાળા પર થયેલા મોટા વિસ્ફોટમાં ૨૪ નિર્દોષ વિદ્યાર્થિનીઓના મોતની પુષ્ટિ થઈ છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ તેહરાનની શેરીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ઈરાની સશસ્ત્ર દળોના પ્રવક્તાએ જણાવ્યું છે કે, "ઝાયોનિસ્ટ શાસન અને અમેરિકાએ મળીને આપણી પ્રાદેશિક અખંડિતતા પર હુમલો કર્યો છે, જેનો જવાબ હવે રણમેદાનમાં જ આપવામાં આવશે."
તેહરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પર અત્યંત આક્રમક સંદેશ પોસ્ટ કરતા કહ્યું કે, "ટ્રમ્પે 'અમેરિકા ફર્સ્ટ' ને બદલીને 'ઈઝરાયેલ ફર્સ્ટ' કરી દીધું છે. નેતન્યાહુ અને ટ્રમ્પનું આ યુદ્ધ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. અમારી સેના આ દિવસ માટે તૈયાર હતી અને આક્રમણકારોને એવો પાઠ ભણાવશે જે તેઓ લાયક છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાનનો પ્રતિભાવ દુશ્મનોની સંપૂર્ણ હાર સુધી ચાલુ રહેશે.
યુદ્ધની ભીષણતાને જોતા ઈરાન સરકારે તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓ આગામી સૂચના સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેહરાને તેના નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે દેશમાં ઇંધણ, દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો છે અને હોસ્પિટલો ૨૪ કલાક સેવામાં રહેશે. સરકારે લોકોને અફવાઓથી બચવા અને માત્ર સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ કરવા વિનંતી કરી છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર ઈરાનના વળતા પ્રહાર પર ટકેલી છે, જે મધ્ય પૂર્વમાં મહાયુદ્ધની શરૂઆત કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
