<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

અમેરિકા સાથેની દોસ્તીમાં પડી તિરાડ? ઈરાન પરના હુમલાથી પાકિસ્તાન લાલઘૂમ, ટ્રમ્પના લાડકા શાહબાઝ શરીફ અને અસીમ મુનીરે બદલ્યા તેવર!

મુસ્લિમ કાર્ડ કે મજબૂરી? ઈઝરાયેલ-અમેરિકાના સંયુક્ત હુમલાની ઈસ્લામાબાદે કરી આકરી નિંદા; રશિયાએ પણ જંગ રોકવા માટે શાંતિની ઓફર સાથે મેદાનમાં એન્ટ્રી કરી

ઈસ્લામાબાદ: મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓએ હવે વૈશ્વિક મિત્રતાના સમીકરણો પણ બાળી નાખ્યા છે. શનિવારે ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાનના અનેક શહેરો અને સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના નિવાસસ્થાન નજીક કરેલા ભીષણ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો સુર અચાનક બદલાઈ ગયો છે. થોડા દિવસો પહેલા જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ સાંભળીને ગદગદ થયેલા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરે હવે પોતાના જ 'પરમ મિત્ર' અમેરિકા સામે મોરચો માંડ્યો છે.

પાકિસ્તાને આ હુમલાઓને સંપૂર્ણપણે ગેરવાજબી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક દારે વિલંબ કર્યા વગર ઈરાની વિદેશ મંત્રીને ફોન કરીને આ મુશ્કેલ સમયમાં તેમની સાથે હોવાનું આશ્વાસન આપ્યું છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા સાથે વધતી નિકટતા છતાં, મુસ્લિમ દેશોના સંગઠનમાં પોતાની છબી બચાવવા માટે પાકિસ્તાને આ 'યુ-ટર્ન' લેવો પડ્યો છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ચેતવણી આપી છે કે જો આ હુમલાઓ નહીં અટકે તો સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા વ્યાપી જશે.
 બીજી તરફ, રશિયાએ પણ આ મામલે મધ્યસ્થી કરવાની મોટી ઓફર કરી છે. રશિયન વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય કાયદા અને પરસ્પર આદરના આધારે આ કટોકટીનો ઉકેલ લાવવા માટે તૈયાર છે. રશિયાએ બંને પક્ષોને સંવાદની ટેબલ પર લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, વર્તમાન પરિસ્થિતિ જોતા દુનિયા સ્પષ્ટપણે બે ભાગમાં વહેંચાઈ ગઈ હોય તેવું લાગે છે: એક તરફ અમેરિકા-ઈઝરાયેલની જોડી છે, તો બીજી તરફ રશિયા અને પાકિસ્તાન જેવા દેશો ઈરાનનો પક્ષ લઈ રહ્યા છે.
ઈરાન પરના આ હુમલાઓએ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની એ નવી 'મિત્રતા' પર મોટું પ્રશ્નાર્થ ચિન્હ લગાવી દીધું છે, જે હજુ થોડા સમય પહેલા જ પાટા પર ચડી રહી હતી. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ પ્રશાસન પાકિસ્તાનના આ બદલાયેલા વલણ પર કેવી પ્રતિક્રિયા આપે છે અને શું મધ્ય પૂર્વનો આ જંગ દક્ષિણ એશિયાના દેશોને પણ પોતાની લપેટમાં લેશે?

(12:23 AM IST)