<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ઈતિહાસનું સૌથી મોટું એરફોર્સ ઓપરેશન: ઈઝરાયેલનો ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો:

૨૦૦ લડાયક વિમાનોએ મચાવ્યો ભારે વિનાશ: હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના મિસાઈલ લોન્ચર્સ અને એર ડિફેન્સ સિસ્ટમ્સને ખતમ કરવાનો: ઈરાનની કન્યા શાળા પર થયેલા ઈઝરાયેલી હુમલામાં ૧૬૦ માસૂમ બાળકીઓના મોત: ઈરાનમાં ભારે આક્રોશ: તેહરાન અને અન્ય શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા: સુપ્રીમ લીડર ખામનેઈ અને રાષ્ટ્રપતિ બંને સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની જાહેરાત: બગદાદમાં પણ ઈરાનના સમર્થનમાં પ્રચંડ દેખાવો

તહેરાન: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં ઈઝરાયેલે ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું સૈન્ય ઓપરેશન કર્યું છે. આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ, ઈઝરાયેલની વાયુસેનાના આશરે ૨૦૦ જેટલા અત્યાધુનિક લડાયક વિમાનોએ ઈરાનના વિવિધ સૈન્ય ઠેકાણાઓ પર પ્રચંડ હુમલો કર્યો છે. આ ઓપરેશનને ઈતિહાસનું સૌથી મોટું એરફોર્સ ઓપરેશન માનવામાં આવી રહ્યું છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના મિસાઈલ લોન્ચર્સ અને એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવાનો છે. ખાસ કરીને મધ્ય ઈરાનમાં આવેલા સંવેદનશીલ સૈન્ય મથકોને નિશાન બનાવીને સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલના આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે.

આ ભીષણ હુમલા વચ્ચે માનવીય જાનહાનિના પણ અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઇસ્લામિક સ્ટુડન્ટ્સ ન્યૂઝ એજન્સીને ટાંકીને જણાવ્યું છે કે, મીનાબ વિસ્તારમાં આવેલી એક કન્યા શાળા પર થયેલા ઈઝરાયેલી હુમલામાં ૧૬૦ જેટલા માસૂમ બાળકોના મોત થયા છે. આ ઘટનાને લઈને ઈરાનમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેહરાન અને અન્ય શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને અમેરિકા તથા ઈઝરાયેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઈરાન સરકાર તરફથી સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે તેઓ આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. 

 

બીજી તરફ, ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેમના મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે ૨૪ કલાકમાં ૧૨ થી વધુ ઈરાની ડ્રોનને તોડી પાડ્યા છે, જ્યારે તેલ અવીવના આકાશમાં પણ દુશ્મન દેશની મિસાઈલોને તોડી પાડવામાં આવી હતી.

 

ઈરાની નેતૃત્વ સુરક્ષિત હોવાનો સત્તાવાર દાવો: અમેરિકી હસ્તક્ષેપ અને આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ

 

ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાઓ બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામનેઈ અને રાષ્ટ્રપતિ પેશઝકિયાનની સુરક્ષાને લઈને વિશ્વભરમાં અટકળો તેજ થઈ હતી. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સુપ્રીમ લીડર ખામનેઈ અને રાષ્ટ્રપતિ બંને સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઈઝરાયેલી સેના દ્વારા વરિષ્ઠ ઈરાની નેતાઓને ખતમ કરવાના કરવામાં આવેલા દાવાઓ વચ્ચે ઈરાનનું આ નિવેદન ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ દરમિયાન ઈરાનમાં મોટું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જ્યાં લાખોની સંખ્યામાં લોકો ભેગા થઈને અમેરિકાના પતન અને વળતા પ્રહાર માટેના નારા લગાવી રહ્યા છે. ઈરાન ઉપરાંત ઈરાકની રાજધાની બગદાદમાં પણ ઈરાનના સમર્થનમાં પ્રચંડ પ્રદર્શનો થયા હોવાના અહેવાલ છે.

 

આ ગંભીર પરિસ્થિતિમાં અમેરિકાનો પક્ષ પણ સામે આવ્યો છે. અમેરિકી સંરક્ષણ વિભાગે ફૂટેજ જાહેર કરીને જણાવ્યું છે કે તેઓ ઈરાન પર મિસાઈલ હુમલા કરી રહ્યા છે, જોકે આ કાર્યવાહીમાં અત્યાર સુધી કોઈ અમેરિકી સૈનિકને ઈજા થઈ નથી અને તેમના સૈન્ય મથકોને ન્યૂનતમ નુકસાન પહોંચ્યું છે.

 

બીજી તરફ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ઈરાન પરના આ હુમલાઓ વિશે ફ્રાન્સને અગાઉથી કોઈ જાણ કરવામાં આવી નહોતી અને તેઓ આ ઓપરેશનમાં સામેલ નથી. 

 

સંઘર્ષ હવે પડોશી દેશો સુધી પણ વિસ્તરી રહ્યો છે, જેમાં કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો હોવાના અને બહેરીનમાં મોટા વિસ્ફોટો થયા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. આ ઘટનાક્રમ બાદ સમગ્ર વિશ્વ યુદ્ધની આશંકાથી ચિંતિત છે.

(12:44 AM IST)