હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજપાલ યાદવનો જેલમાંથી બહાર આવતા જ મોટો ધડાકો: "૧૦ કરોડ નહીં આપો તો તમારો એક-એક ઇંચ વેચાવી દઈશ", લેણદારે આપી આવી ભયાનક ધમકી!
ચેક બાઉન્સ કેસમાં 'કિંગ'નો વળતો પ્રહાર: ૧૨૦૦ કરોડના પ્રોજેક્ટ્સ હાથ પર હોવા છતાં મને જાણીજોઈને જેલમાં ધકેલવાનું કાવતરું, વકીલ સાથે પ્રેસ કોન્ફરન્સમાં કર્યા ગંભીર ખુલાસા

નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ કોમેડિયન રાજપાલ યાદવ અત્યારે પોતાની ફિલ્મો કરતા વધુ ચેક બાઉન્સના જૂના વિવાદને કારણે ચર્ચામાં છે. જેલમાંથી મુક્ત થયા બાદ શનિવારે રાજપાલ યાદવે તેમના વકીલ ભાસ્કર ઉપાધ્યાય સાથે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે ફરિયાદકર્તા માધવ ગોપાલ અગ્રવાલ પર ગંભીર આક્ષેપો કરતા દાવો કર્યો હતો કે તેમને ધમકી આપવામાં આવી છે કે જો તેઓ ૧૦.૪૦ કરોડ રૂપિયા નહીં ચૂકવે, તો તેમનો 'એક-એક ઇંચ' વેચાવી દેવામાં આવશે.
રાજપાલ યાદવે ખુલાસો કર્યો કે આ સમગ્ર વિવાદ વર્ષ ૨૦૧૦માં તેમના દ્વારા નિર્દેશિત ફિલ્મ 'અતા પતા લાપતા' સાથે જોડાયેલો છે. આ ફિલ્મ માટે માધવ ગોપાલ અગ્રવાલે ૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે વ્યાજ સાથે વધીને હવે ૧૦ કરોડથી વધુ થઈ ગયું છે. રાજપાલના વકીલના જણાવ્યા અનુસાર, તેમણે ૨૦૧૮માં જ સિક્યોરિટી તરીકે પોતાની સંપત્તિના કાગળો આપવાની ઓફર કરી હતી, પરંતુ ફરિયાદકર્તાએ તે લેવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેમનો હેતુ માત્ર રાજપાલને જેલમાં મોકલવાનો અને બદનામ કરવાનો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં રાજપાલ યાદવે પોતાની આર્થિક સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, "આગામી ૭ વર્ષમાં મારી પાસે ૧૨૦૦ કરોડ રૂપિયાના બ્રાન્ડિંગ અને એગ્રીમેન્ટ્સના કામ છે. મારી પાસે ૧૦ જેટલી ફિલ્મો લાઈનમાં છે. તેમ છતાં ફરિયાદકર્તા મારી છબી બગાડવા માંગે છે." તેમણે ચાહકોનો આભાર માનતા કહ્યું કે છેલ્લા ૨૦ દિવસમાં સોશિયલ મીડિયા અને લોકોના સહયોગથી તેમને ૧ કરોડ રૂપિયાની મદદ મળી છે, જે તેઓ સમય આવ્યે સન્માનપૂર્વક પરત કરી દેશે.
રાજપાલે પોતાના અનોખા અંદાજમાં કહ્યું કે, "રાજાની જેમ જીવો અને મજૂરની જેમ કામ કરો. કિંગ તો કિંગ જ રહે છે, પછી તે જેલમાં હોય કે બહાર. હું ભાગનારો માણસ નથી, બસ ઈચ્છું છું કે કોર્ટ મારી વાત સાંભળે." તેમણે દાવો કર્યો હતો કે તેઓ લેણદારોના પૈસા ચૂકવવા તૈયાર છે, પરંતુ તેમને જાણીજોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. હાલમાં રાજપાલ યાદવના આ ખુલાસાથી બોલીવુડ અને કાયદાકીય વર્તુળોમાં નવો વિવાદ છેડાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
